'મારી ધીરજની કસોટી ના કરો, જલ્દી ભારત પરત ફરો', પૌત્ર પ્રજ્વલ રેવન્નાને પૂર્વ PM દેવગૌડાની ચેતવણી

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
'મારી ધીરજની કસોટી ના કરો, જલ્દી ભારત પરત ફરો', પૌત્ર પ્રજ્વલ રેવન્નાને પૂર્વ PM દેવગૌડાની ચેતવણી 1 - image


HD Deve Gowda warn Prajwal Revanna : કર્ણાટકની હાસન લોકસભા બેઠકથી જેડીએસ સાંસદ પ્રજ્વલ રેવન્ના હજુ સુધી ફરાર છે. જેને લઈને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાએ પોતાના પૌત્ર પ્રજ્વલ રેવન્ના માટે ચેતવણી જાહેર કરી છે. એચડી દેવગૌડાએ પ્રજ્વલ રેવન્નાને જલ્દીથી જલ્દી ભારત આવવા કહ્યું છે.

પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાએ X પર પોસ્ટ કરીને લખ્યું કે, "મેં પ્રજ્વલ રેવન્નાને ચેતવણી આપી દીધી છે કે તેઓ જ્યાં પણ છે ત્યાંથી તુરંત પરત ફરે અને અહીં (ભારતમાં) કાયદાકીય પ્રક્રિયામાં સામેલ થાય. તેમણે મારા ધૈર્યની કસોટી ન કરવી જોઈએ. જો તેના પર લાગેલા આરોપ સાચા સાબિત થાય છે, તો તેમને આકરામાં આકરી સજા થવી જોઈએ."

'હું પ્રજ્વલની ગતિવિધિઓ અંગે કંઈ જાણતો ન હતો'

પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાએ 'પ્રજ્વલ રેવન્નાને મારી ચેતવણી' શીર્ષક સાથે બે પાનાનો ચેતવણી પત્ર લખ્યો. તે પત્રમાં તેમણે લખ્યું કે, "ગત કેટલાક અઠવાડિયામાં લોકોએ મારા અને મારા પરિવાર વિરૂદ્ધ સૌથી આકરા શબ્દોનો ઉપયોગ કર્યો છે. હું લોકોને એ પણ નથી સમજાવી શકતો કે હું પ્રજ્વલની ગતિવિધિઓ અંગે કંઈ જાણતો ન હતો. હું તેમને એ પણ નથી સમજાવી શકતો કે હું તેને બચાવવાના પ્રયાસ નથી કરી રહ્યો. મને તેમની વિદેશ યાત્રા અંગે કંઈ ખબર નથી. હું મારા અંતરઆત્માનો અવાજ સાંભળવામાં વિશ્વાસ રાખું છું. હું ઈશ્વરમાં વિશ્વાસ રાખું છું અને હું જાણું છું કે ભગવાન તમામ સત્ય જાણે છે."

'દાદા પ્રત્યે સન્માન હોય તો પરત ફરે પ્રજ્વલ'

અંદાજિત એક મહિના પહેલા દેશ છોડીને ભાગેલા પ્રજ્વલ રેવન્નાને ચેતવણી આપતા એચડી દેવગૌડાએ કહ્યું કે, "જો પ્રજ્વલને પોતાના દાદા પ્રત્યે જરા પણ સન્માન હોય તો તેઓ પરત આવી જાય. હું માત્ર એક કામ કરી શકું છું. હું પ્રજ્વલને કડક ચેતવણી આપી શકું છું. જ્યાં પણ છે તેને પરત આવીને પોલીસની સામે આત્મસમર્પણ કરવા માટે કહી શકું છું. આ કોઈ અપીલ નથી જે હું કરી રહ્યો છું, આ એક ચેતવણી છે."

'પરિવારથી અલગ કરી દેવાશે'

દેવગૌડાએ પ્રજ્વલને એમ પણ કહ્યું કે, "પરિવારના સભ્યોની વાત ન માનવા પર તેને પરિવારથી સમગ્ર રીતે અલગ કરી દેવાશે. જો પ્રજ્વલે આ ચેતવણી પર ધ્યાન ન આપ્યું તો તેને મારા અને પોતાના પરિવારના તમામ સભ્યોના ગુસ્સાનો સામનો કરવો પડશે."

આ પણ વાંચો- સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા પ્રજ્વલ રેવન્નાના બચાવનું હથિયાર તેનો પાસપોર્ટ, જાણો કેમ?


Google NewsGoogle News