પૂર્વ સાંસદ પપ્પૂ યાદવને એક વર્ષની જેલ, 19 વર્ષ બાદ આ મામલે સંભળાવાઈ સજા
Image Source: Twitter
- જેલમાં પપ્પુ યાદવ પાસેથી ઈયરફોન અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા
પટના, તા. 25 નવેમ્બર 2023, શનિવાર
ન્યાયિક કસ્ટડી દરમિયાન બેઉર જેલમાં ઈયર ફોન અને મોબાઈલ રાખવા મામલે એમપી-એલએલએની વિશેષ અદાલતે આરોપી પૂર્વ સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવને સજા સંભળાવી છે. પપ્પુ યાદવને દોષી ઠેરવતા કોર્ટે તેને એક વર્ષની જેલ અને 10 હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે. આ કેસ 2004નો છે જ્યારે પપ્પુ યાદવને ગુનાહિત કેસમાં ન્યાયિક કસ્ટડી હેઠળ બેઉર જેલમાં બંધ હતો. પોલીસ પ્રશાસને જેલના નિરીક્ષણ દરમિયાન 8 ડિસેમ્બરે બેઉર જેલમાં દરોડા પાડ્યા હતા. ત્યારે પપ્પુ યાદવ પાસેથી ઈયરફોન અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા.
આ મામલે ફુલવારીશરીફ પોલીસ સ્ટેશનમાં એક ગુનાહિત મામાલો દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલો સાચો હોવાનું જણાતા પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી. આ મામલે વિશેષ ન્યાયિક મેજિસ્ટ્રેટે આરોપી પપ્પૂ યાદવને દોષી ઠેરવતા સજા સંભળાવી છે.
વિશેષ અદાલતે સજા સામે અપીલ દાખલ કરવા માટે પપ્પુ યાદવને કામચલાઉ જામીન પર મુક્ત કર્યો હતો. બીજી તરફ 2018ના એક ગુનાહિત મામલે પુરાવાના અભાવે વિશેષ અદાલતે આરોપી પૂર્વ સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવને નિર્દોષ જાહેર કર્યો હતો. આ ગુનાહિત મામલો રાજેન્દ્ર નગર સ્ટેશન પર ગેરકાયદેસર મેળાવડો કરી અને ધરણા-પ્રદર્શન સાથે સંબંધિત હતો. વર્ષ 2018 માં રેલ્વે પોલીસે પૂર્વ સાંસદ પપ્પુ યાદવ વિરુદ્ધ FIR નોંધી હતી અને કેસ સાચો હોવાનું માલુમ પડતાં વિશેષ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી હતી.