ભાજપમાં ડખા! અયોધ્યાના પૂર્વ સાંસદે પાર્ટીના નેતાને જોઈને કહ્યું માફિયા સાથે મારાથી નહીં બેસાય
Image: Facebook
Lallu Singh Left the Press Conference : અયોધ્યાના પૂર્વ સાંસદ અને ભાજપ નેતા લલ્લૂ સિંહ ગુરુવારે પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ વચ્ચે જ છોડીને જતાં રહ્યાં. તેમણે પ્રેસ કોન્ફરન્સ અચાનક વચ્ચે જ છોડતાં કહ્યું કે મંચ પર માફિયા હાજર છે અને હું તેમની સાથે મંચ શેર કરી શકતો નથી.
લલ્લુ સિંહે આરોપ લગાવ્યો કે મંચ પર માફિયા હાજર હતાં, જેના કારણે મારે ઉઠીને પરિસરથી બહાર જવું પડ્યું. જોકે તેમણે કોઈ પણ નેતાનું નામ સ્પષ્ટ રીતે લીધું નથી પરંતુ તેમણે મંચ પર બેસેલા ભાજપ નેતા શિવેન્દ્ર સિંહ તરફ ઈશારો કર્યો હતો.
ભાજપ પ્રદેશ મહાસચિવ સંજય રાયે સદસ્યતા અભિયાનને લઈને અયોધ્યાના સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. મીડિયા સાથે વાત કરતાં પૂર્વ સાંસદે કહ્યું, 'મંચ પર માફિયા હાજર હતાં અને હું ક્યારેય પણ પોતાને આવા તત્વોથી જોડી શકતો નથી. મે માફિયા વિરુદ્ધ સતત લડત લડી છે. કેમ કે તે સમાજનું શોષણ કરે છે.'
શિવેન્દ્ર સિંહ પર ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધાયો
શિવેન્દ્ર સિંહ પર હત્યાનો પ્રયત્ન અને ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધાયો હતો અને વર્ષ 2018માં ફૈજાબાદ જેલમાં બંધ કરી દેવાયો હતો. બાદમાં તેમને બારાબંકી જેલમાં ટ્રાન્સફર કરી દેવાયો હતો. શિવેન્દ્ર સિંહે કહ્યું, 'પૂર્વ સાંસદ લલ્લૂ સિંહે પોતાની સમગ્ર ચૂંટણીમાં કુખ્યાત ગુનેગારો અને ઈતિહાસકારોની સાથે વ્યક્તિગતરીતે પ્રચાર કર્યો, જેના કારણે અંતે તેમને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો.'
અયોધ્યા ભાજપના પ્રવક્તા રજનીશ સિંહે કહ્યું કે લલ્લૂ સિંહે પોતાના સમગ્ર રાજકીય કરિયરમાં હંમેશા રાજકીય મર્યાદાનું પાલન કર્યું છે. તેમણે કહ્યું, 'તેમણે પોતાના રાજકીય પ્રયત્નોમાં પોતાને ગુનેગારોથી દૂર રાખ્યા છે, તેમની સાથે ક્યારેય ગઠબંધન કર્યું નથી.'
અયોધ્યાથી 5 વખત MLA અને બે વખતના MP બન્યા લલ્લૂ સિંહ
લલ્લૂ સિંહ ફૈજાબાદ બેઠકથી 2014 અને 2019માં સાંસદ ચૂંટાયા. આ પહેલા તે અયોધ્યા બેઠકથી પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા. જોકે, 2024ની લોકસભા ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો. ત્યાંથી સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદે જીત પ્રાપ્ત કરી જે પાસી સમુદાયથી આવે છે.