પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંત સિંહની વહુનું રોડ અકસ્માતમાં મોત, પુત્ર માનવેન્દ્રની હાલત પણ નાજુક
Manvendra Singh's Family Accident : દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર નૌગાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભીષણ અકસ્માત સર્જાયો છે, જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંત સિંહ (Jaswant Singh)ની વહુ અને પૂર્વ સાંસદ માનવેન્દ્ર સિંહની પત્ની ચિત્રા સિંહનું મોત થયું છે અને માનવેન્દ્ર સિંહ અને તેમના પુત્ર હમીર સિંહ ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. હાલ બંનેને અલવરની સોલંકી હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતમાં કારનો ડ્રાઈવર પણ ઈજાગ્રસ્ત થયો છે, તેને સારવાર માટે બડૌદામેવ હોસ્પિટલ લઈ જવાયા બાદ અલવરમાં રેફર કરાયો છે. કાર માનવેન્દ્ર સિંહ જ ચલાવી રહ્યા હતા અને પત્ની ચિત્રા તેમની બાજુમાં બેઠા હતા, જ્યારે માનવેન્દ્રના પુત્ર અને ડ્રાઈવર પાછળની સીટ પર બેઠા હતા.
દિલ્હીથી જયપુર જઈ રહ્યો હતો પરિવાર
માનવેન્દ્ર પરિવાર સાથે કારમાં દિલ્હીથી જયપુર જઈ રહ્યા હતો, ત્યારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરના પોઈન્ટ 82.8 કિમી, રાસગન-ખુશપુરી વચ્ચે ગાડીનું સંતુલન બગડ્યું હતું અને કાર પુલની દિવાલ સાથે અથડાઈ હતી. ચિત્રા સિંહનો મૃતદેહ રાજીવ ગાંધી હોસ્પિટલમાં રખાયો છે, જ્યારે માનવેન્દ્ર સિંહ અને પુત્રની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે.
નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા
એડિશનલ એસપી તેજપાલ સિંહે જણાવ્યું કે, હાલ અકસ્માત કેવી રીતે થયો, તેની તપાસ થઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ ઈજાગ્રસ્તોને તુરંત અલવર લઈ જવાયા હતા, જ્યાં ડૉક્ટરોએ ચિત્રા સિંહને મૃત જાહેર કર્યા, જ્યારે અન્યોની હાલત ગંભીર છે. ડ્રાઈવરનું બડૌદામાં સારવાર ચાલી રહી હતી, જોકે તેમને અલવર શિફ્ટ કરાયા છે. ઘટનાની જાણ થતાં જ ભાજવ તેમજ કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતા હોસ્પિટલ પહોંચ્યા છે. ઘટનાસ્થળે જિલ્લા કલેક્ટર તેમજ પોલીસ અધિક્ષક સહિત અન્ય વહિવટીતંત્રના અધિકારીઓ હાજર છે.