પૂર્વ સાંસદ ધનંજય સિંહ અપહરણ અને ખંડણી કેસમાં દોષિત જાહેર, કાલે થશે સજા
Former MP Dhananjay Singh Guilty : ઉત્તરપ્રદેશના જૌનપુર લોકસભાથી સાંસદ રહેલા ધનંજય સિંહને લોકસભા ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે. અપહરણ અને ખંડણી કેસમાં કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા છે. હવે જૌનપુરની કોર્ટ આવતીકાલે બુધવારે સજાનું એલાન કરશે. હાલ તો દોષિત ધનંજય સિંહને જેલ મોકલી દેવાયો છે. જૌનપુરના પૂર્વ સાંસદ અને જેડીયુના રાષ્ટ્રીય મહાસચિવ ધનંજય સિંહને જૌનપુરના MP-MLA કોર્ટે નમામિ ગંગેના એન્જિનિયર પાસેથી વસૂલી માંગવા અને તેના અપહરણ મામલે દોષિત જાહેર કરાયા છે. આ કેસ વર્ષ 2020નો હતો.
10 મે 2020એ લાઈન બજાર પોલીસ સ્ટેશનમાં મુઝફ્ફરનગર નિવાસી નમામિ ગંગેના પ્રોજેક્ટ મેનેજર અભિનવ સિંઘલે અપહરણ અને ખંડણી સહિતની કલમોમાં ધનંજયસિંહ અને તેમના સાથી વિક્રમ પર કેસ દાખલ કરાવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, બે સાથીઓની સાથે સિંઘલનું અપહરણ કરીને પૂર્વ સાંસદના નિવાસ સ્થાને લઈ ગયા હતા.
ફરિયાદમાં પીડિતે જણાવ્યું હતું કે, ત્યાં ધનંજય સિંહ પિસ્તોલ લઈને આવ્યા અને અપશબ્દો આપતા તેમને ઓછી ગુણવત્તા વાળી સામગ્રી ઉપલબ્ધ કરાવવા માટે પ્રેશર કર્યું. ના પાડવા પર ધમકી આપતા ખંડણી કરી હતી. ફરિયાદના આધારે પોલીસે કેસ દાખલ કરીને પૂર્વ સાંસદની ધરપકડ કરી હતી. જોકે બાદમાં કોર્ટે તેમને જામીન આપ્યા હતા.
લોકસભા ચૂંટણી લડવાની તૈયારીમાં છે ધનંજય સિંહ
જણાવી દઈએ કે, ધનંજય સિંહ આગામી લોકસભા ચૂંટણી લડવાની તૈયારીમાં છે. જેની પુષ્ટિ તેમણે સોશિયલ મીડિયા પર પોતાની એક પોસ્ટથી કરી હતી. ભાજપ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કર્યા બાદ ધનંજય સિંહની પ્રતિક્રિયા જોવા મળી હતી. કારણ કે, ભાજપે જૌનપુર લોકસભા બેઠકથી કૃપાશંકર સિંહને ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારબાદ ધનંજય સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે, 'મિત્રો! તૈયાર રહો.... લક્ષ્ય બસ એક લોકસભા 73, જૌનપુર.' આ સાથે જ 'જીતેગા જૌનપુર-જીતેંગે હમ'ની સાથે પોતાનો ફોટો પણ શેર કર્યો. જોકે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે ધનંજય સિંહ અપક્ષમાંથી લડશે કે નીતીશ કુમારની પાર્ટી જેડીયુમાંથી લડશે, પરંતુ આ પોસ્ટ દ્વારા ધનંજયે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ આગામી ચૂંટણીમાં જરૂરથી ઝંપલાવવાના છે.