પૂર્વ મિસ ઈન્ડિયા ત્રિપુરા રિંકી ચકમાનું 28 વર્ષની ઉંમરે નિધન, કેન્સરથી હતી પીડિત
- રિંકી ચકમાએ ગત મહિને જ પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતા પોતાની સ્થિતિ જણાવી હતી
અગરતલા, તા. 01 માર્ચ 2024, શુક્રવાર
ફેમિના મિસ ઈન્ડિયા ત્રિપુરા 2017નો ખિતાબ પોતાના નામ પર કરનાર રિંકી ચકમાનું નિધન થઈ ગયુ છે. રિંકી ચકમાએ ફેમિના મિસ ઈન્ડિયા 2017ની સ્પર્ધામાં ત્રિપુરાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. રિંકી ચકમા બ્રેસ્ટ કેન્સરથી પીડિત હતી અને તેની સર્જરી પણ થઈ હતી. ફેમિના મિસ ઈન્ડિયાએ એક નિવેદન શેર કરીને રિંકી ચકમાના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. ફેમિના મિસ ઈન્ડિયાએ લખ્યું કે, અમે રિંકીના પરિવાર અને તેના મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. તેમની આત્માને શાંતિ મળે. રિંકી તારી સુંદરતા અને મહેનતનો વારસો યાદ રાખવામાં આવશે. અમે બધા તને હંમેશા યાદ કરીશું. અમે ભાગ્યશાળી હતા કે, અમે તને જાણતા હતા અને તારી નજીક હતા.
રિંકીને 2022માં ફાઈલોડ્સ ટ્યૂમરની જાણ થઈ હતી
રિંકીને 2022માં ફાઈલોડ્સ ટ્યૂમરની જાણ થઈ હતી ત્યારબાદ તેમણે આ બીમારીની સર્જરી કરાવી હતી. રિંકી ચકમાએ ગત મહિને જ પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતા પોતાની સ્થિતિ જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, તે બે વર્ષથી કેન્સરનો સામનો કરી રહી છે. તેમણે લખ્યું હતું કે, હું તમને આ દુ:ખદ સૂચના આપવા નહોતી માંગતી કારણ કે મને લાગતું હતું કે, હું આ બીમારીમાંથી બહાર નીકળી જઈશ. પરંતુ હવે તે મુશ્કેલ લાગે છે અને આવી સ્થિતિમાં હું તમને આ જાણકારી આપવા માંગુ છું. મને લાગે છે કે, આ એવો સમય છે જ્યારે તમને આ વિશે જાણકારી આપવી જોઈએ.
રિંકી ચકમા સારવાર માટે આર્થિક તંગીનો પણ સામનો કરી રહી હતી
રિંકી ચકમાનું દુર્ભાગ્ય હતું કે બ્રેસ્ટ કેન્સરની સર્જરી કરાવ્યા બાદ તેને બ્રેઈન ટ્યૂમર પણ થઈ ગયુ હતું. રિંકી ચકમાએ પોતાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતા જણાવ્યુ હતું કે, મારી બ્રેઈન સર્જરી પણ કરવાની છે. તેની અસર મારા શરીરની જમણી બાજુએ દેખાય રહી છે. પહેલા મારે કીમોથેરાપી કરાવવી પડશે અને તેની સફળતા બાદ હું બ્રેઈન સર્જરી કરાવીશ. તેણે જણાવ્યું હતું કે તે અને તેનો પરિવાર છેલ્લા બે વર્ષથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આ સમય અમે હોસ્પિટલોમાં જ વિતાવ્યો છે. એટલું જ નહીં તેમનું કહેવું હતું કે, તે સારવાર માટે આર્થિક તંગીનો પણ સામનો કરી રહી છે.