Get The App

કર્ણાટકના પૂર્વ CM એસ.એમ. કૃષ્ણાનું નિધન, ઈન્દિરા ગાંધીથી લઈને મનમોહન સિંહ સરકારમાં રહ્યા મંત્રી

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
કર્ણાટકના પૂર્વ CM એસ.એમ. કૃષ્ણાનું નિધન, ઈન્દિરા ગાંધીથી લઈને મનમોહન સિંહ સરકારમાં રહ્યા મંત્રી 1 - image

Former Karnataka CM SM Krishna Passes Away: કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી, વિદેશ મંત્રી અને મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ એસ.એમ. કૃષ્ણાનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમણે આજે (10મી ડિસેમ્બર) સવારે બેંગલુરુ સ્થિત તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પાર્થિવ દેહને આજે મદ્દુર લઈ જવામાં આવશે. એસ.એમ. કૃષ્ણાનો જન્મ 1932માં થયો હતો. તેમનું પૂરું નામ સોમનાહલ્લી મલ્લૈયા કૃષ્ણા છે. 

પદ્મ વિભૂષણથી સન્માનિત

એસ.એમ. કૃષ્ણા 1999થી 2004 સુધી કર્ણાટકના મુખ્યમંત્રી અને 2004 થી 2008 સુધી મહારાષ્ટ્રના રાજ્યપાલ રહી ચૂક્યા હતા. 22મી મે 2009ના રોજ વડાપ્રધાન મનમોહન સિંહે કૃષ્ણાને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કર્યા અને 23મી મે 2009ના રોજ વિદેશ મંત્રાલયની જવાબદારી સોંપી. માર્ચ 2017માં એસએમ કૃષ્ણા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. 2023માં સરકારે એસ.એમ. કૃષ્ણાને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા.

એસ.એમ. કૃષ્ણાના પિતાનું નામ એસ.સી. મલ્લૈયા હતું. તેમણે મહારાજા કોલેજ, મૈસુરમાંથી સ્નાતકનું શિક્ષણ પૂર્ણ કર્યા પછી સરકારી કોલેજ, બેંગ્લોરમાંથી કાયદાની ડિગ્રી લીધી મેળવી હતી. ઉચ્ચ શિક્ષણ માટે તેઓ અમેરિકા ગયા હતા. ત્યાંથી સ્નાતક થયા પછી તેમણે આંતરરાષ્ટ્રીય કાયદાનું શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું. અમેરિકામાં સક્રિય રાજકારણમાં તેમનો રસ જાગ્યો. ત્યાં તેમણે જ્હોન એફ. કેનેડીની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રચાર કર્યો હતો. કર્ણાટકથી પરત ફર્યા બાદ તરત જ તેઓ 1962માં કર્ણાટક વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે 29મી એપ્રિલ 1964ના રોજ પ્રેમા સાથે લગ્ન કર્યા.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં CMની ખુરશી પછી હવે મંત્રાલયો માટે ભાજપ-શિવસેના વચ્ચે ખેંચતાણ, મંત્રીમંડળના વિસ્તરણમાં વિલંબ


એસ.એમ. કૃષ્ણાની રાજકીય સફર

વર્ષ 1960ની આસપાસ એસ.એમ. કૃષ્ણાએ રાજકીય ઈનિંગ્સ શરૂ કરી હતી. 1962માં તેમણે મદ્દુર વિધાનસભા બેઠક પરથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને કોંગ્રેસના ઉમેદવારને હરાવીને ચૂંટણી જીતી હતી. આ પછી તેઓ પ્રજા સમાજવાદી પાર્ટીમાં જોડાયા અને 1968માં માંડ્યા લોકસભા બેઠકની પેટાચૂંટણી જીતી. ત્યારબાદ એસ.એમ. કૃષ્ણા કોંગ્રેસમાં જોડાયા અને 1971માં માંડ્યા લોકસભા બેઠક પરથી ફરીથી ચૂંટણી જીત્યા. 1985માં એસ.એમ. કૃષ્ણા ફરીથી રાજ્યના રાજકારણમાં પાછા ફર્યા અને વિધાનસભાની ચૂંટણી લડ્યા. તેઓ 1999થી 2004 સુધી કર્ણાટકના મુખ્યમંત્રી હતા. તેઓ ડિસેમ્બર 2004થી માર્ચ 2008 સુધી મહારાષ્ટ્રના રાજ્યપાલ હતા. એસએમ કૃષ્ણાએ પીએમ મનમોહન સિંહની સરકારમાં વિદેશ મંત્રીનું પદ પણ સંભાળ્યું હતું. જાન્યુઆરી 2023માં એસ.એમ. કૃષ્ણાએ જાહેરાત કરી કે તેઓ હવે સક્રિય રાજકારણમાં રહેશે નહીં.

કર્ણાટકના માંડ્યાથી ઘણી વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમણે ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના શાસનમાં મંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ 1983-84ની વચ્ચે ઈન્દિરા ગાંધી અને 1984-85ની વચ્ચે રાજીવ ગાંધીના કાર્યકાળ દરમિયાન ઉદ્યોગ અને નાણા રાજ્યમંત્રી બન્યા હતા.

કર્ણાટકના પૂર્વ CM એસ.એમ. કૃષ્ણાનું નિધન, ઈન્દિરા ગાંધીથી લઈને મનમોહન સિંહ સરકારમાં રહ્યા મંત્રી 2 - image


Google NewsGoogle News