ઝારખંડમાં નવા-જૂનીના એંધાણ, ચંપાઈ સોરેન 6 ધારાસભ્યો સાથે દિલ્હી રવાના, શું ભાજપમાં જોડાશે?
Champai Soren And Jharkhand Government News | ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેનને લઈને ચાલી રહેલી રાજકીય અટકળો વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઝારખંડ મુક્તિ મોરચાના કદાવર નેતા મનાતા પૂર્વ સીએમ ચંપાઈ સોરેન દિલ્હી જવા રવાના થઈ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચંપાઈ સોરેન કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણના સતત સંપર્કમાં છે અને તેમની સાથે 6 ધારાસભ્યો પણ દિલ્હી આવી રહ્યા છે.
ઝામુમો સાથે સંપર્ક તૂટ્યો?
હાલના અહેવાલ અનુસાર ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) નેતૃત્વનું હાલમાં આ તમામ ધારાસભ્યો સાથે સંપર્ક થઈ રહ્યો નથી. કહેવાય છે કે આ તમામ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝામુમોના ધારાસભ્ય દશરથ ગગરાઈ, રામદાસ સોરેન, ચમરા લિન્ડા, લોબિન હેમ્બ્રોમ, સમીર મોહંતીનો સંપર્ક થઇ શકી રહ્યો નથી.
ભાજપના ટોચના નેતૃત્વ સાથે મુલાકાત કરે તેવી શક્યતા
સૂત્રો અનુસાર ચંપાઈ સોરેન ગઇ કાલે રાતે કોલકાતાની એક હોટેલમાં રોકાયા હતા જ્યાં તેમણે ભાજપના નેતા સુવેન્દુ અધિકારી સાથે પણ મુલાકાત કરી હતી. આજે સવારે તેઓ દિલ્હી માટે રવાના થઇ ગયા. તેમણે ખાનગી સ્ટાફ સાથે સવારની ફ્લાઈટમાં ઉડાન ભરી હતી. એવી અટકળો છે કે તે દિલ્હીમાં જઇને ભાજપના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી શકે છે.