EVM હેક થઈ શકે એવા મસ્કના દાવાને પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ફગાવી દીધો, કહ્યું- અમારી પાસેથી શીખો
Image Twitter |
Rajeev Chandrasekhar's reaction to Elon Musk's claim : ટેસ્લાના સીઇઓ ઈલોન મસ્કે EVM હેક થવા અંગેના દાવાને ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ફગાવી દીધો છે. તેમણે આજે (16મી જૂન) ટેસ્લાના CEO ઈલોન મસ્કના ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)નો ઉપયોગ બંધ કરવાના નિવેદનનો જડબાતોડ જવાબ આપતાં કહ્યું છે કે, 'મસ્કના કહેવા મુજબ, કોઈ સુરક્ષિત ડિજિટલ હાર્ડવેર બનાવી શકે નહીં, આ વાત જ ખોટી છે. તેમનું નિવેદન અમરિકા અને અન્ય સ્થાનો પર લાગુ થઈ શકે છે. જ્યાં તેઓ ઈન્ટરનેટ સાથે જોડાયેલા વોટિંગ મશીન બનાવવા માટે કમ્પ્યુટિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. આ એક જનરલાઈઝ્ડ સ્ટેટમેન્ટ છે.'
ભારતીય EVM બિલકુલ સુરક્ષિત હોવાનો દાવો
ભાજપના નેતા રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, ‘ભારતીય EVM સુરક્ષિત છે અને કોઈપણ નેટવર્ક અથવા મીડિયાથી અલગ છે. તેમાં કોઈ કનેક્ટિવિટી નથી. જેમ કે, તે બ્લૂટૂથ, વાઈફાઈ કે ઈન્ટરનેટથી કનેક્ટ થઈ શકતું નથી. તેનો અર્થ એ કે તેમાં ઘૂસવાનો કોઈ રસ્તો જ નથી. તે ફેક્ટરી પ્રોગ્રામ્ડ છે, જેથી તેને ફરી પ્રોગ્રામ કરી શકાતું નથી. ભારતની જેમ તમે પણ EVM ની ડિઝાઈન કરી શકો છો.’
આ દરમિનયાન રાજીવ ચંદ્રશેખરે સુરક્ષિત EVM (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) કેવી રીતે ડિઝાઈન કરવું તે અંગે મસ્કને માહિતી આપવાની પણ ઓફર કરી હતી. તેમણે સોશિયલ મીડિયામાં લખ્યું કે, ‘ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન જે રીતે ભારતે તૈયાર કર્યું છે તે રીતે તમે પણ કરી શકો છો. આ માટે તમને ટ્યુટોરિયલ આપવામાં અમને આનંદ થશે, ઈલોન.’
EVM હેક થવાનું જોખમ, તેનો ઉપયોગ બંધ કરો: મસ્ક
આ પહેલા દુનિયાના ટોચના ધનિકોમાં સામેલ ટેસ્લાના સીઇઓ ઈલોન મસ્કે EVM અંગે એક મોટો દાવો કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી છે. તેમણે EVM વિશે કહ્યું હતું કે, ‘ઈવીએમ હેક થઈ શકે છે અને તેનો ઉપયોગ બંધ કરીને ઈવીએમ ખતમ કરી દેવા જોઈએ. અમેરિકન ચૂંટણીમાંથી પણ ઈવીએમ હટાવી દેવા જોઈએ.’
નોંધનીય છે કે, મસ્કે આ ટિપ્પણી અમેરિકન રાષ્ટ્રપતિપદ માટે અપક્ષ ઉમેદવાર રોબર્ટ એફ કેનેડી જુનિયર દ્વારા કરાયેલી એક પોસ્ટના જવાબરૂપે કરી છે.