જૂના અખાડાના મહામંડલેશ્વર 'પાયલોટ બાબા'નું 86 વર્ષની વયે નિધન, હરિદ્વારમાં અપાશે સમાધિ
Pilot Baba Passes Away : દેશના પ્રખ્યાત સંત અને જૂના અખાડાના મહામંડલેશ્વર 'પાયલોટ બાબા'નું લાંબા સમયની માંદગી બાદ 86 વર્ષની વયે નિધન થયું છે. હંમેશા વિવાદમાં રહેનારા બાબાને હરિદ્વારમાં સમાધિ આપવામાં આવશે. તેમના નિધનથી દેશ-વિદેશમાં તેમના તમામ આશ્રમોમાં શોકની લાગણી ફેલાઈ છે. જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય સંરક્ષક શ્રી મહંત ગિરીમહારાજે જૂના અખાડાની તમામ શાખાઓ, આશ્રમો અને પીઠોમાં ત્રણ દિવસનો શોક જાહેર કર્યો છે અને શાંતિ પાઠ કરવાના નિર્દેશ આપ્યા છે.
કોણ હતા પાયલોટ બાબા?
બિહારના રોહતાસ જિલ્લામાં જન્મેલા પાયલોટ બાબાનું મૂળ નામ કપિલ સિંહ હતું. તેઓએ બિહારની બીએચયુ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો. તેઓ બાળપણથી જ આક્રમક સ્વભાવ ધરાવતા હતા. જેથી તેઓ ભારતીય ઍરફૉર્સમાં પાયલોટ બન્યા હતા. ટૂંકા સમયગાળામાં જ પ્રમોશન મેળવી તેઓ વિંગ કમાન્ડરના પદ પર પહોંચ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન તેઓએ પહેલા ભારત-ચીન યુદ્ધમાં ભાગ લીધો હતો, ત્યાર પછી બે વાર ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પણ સામેલ થયા હતા. આ યુદ્ધોમાં તેઓએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. જે કારણસર તેમને ભારત સરકાર દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ ભારતીય રેલવેએ એક સાથે 52 ટ્રેનો કરી કેન્સલ, ગુજરાતમાંથી ઉપડતી ટ્રેનો પણ સામેલ, જુઓ યાદી
1974માં સંન્યાસ ધારણ કર્યો
1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેમના વિમાન મિગ-21માં ટેક્નિકલ ખામી આવી ગઈ હતી, આ ઘટનામાં સદનસીબે તેમનો જીવ બચી ગયો હતો. આ ઘટનાથી તેમને જીવન પ્રત્યે મોહ ભંગ થઈ ગયો હતો. જે બાદ 1974માં તેમણે રિટાયરમેન્ટ લઈ સંન્યાસ ધારણ કર્યો. 1998માં તેમને જૂના અખાડામાં મહામંડલેશ્વરનું પદ મળ્યું અને 2010માં તેમને ઉજ્જૈનના પ્રાચીન શિવગીરી આશ્રમ નીલકંઠ મંદિરમાં પીઠાધીશ્વર નિયુક્ત કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન મોદી પણ કરતા હતા સન્માન
સેનામાંથી નિવૃત્ત થયા બાદ અને તેઓેએ બોલિવૂડમાં 'એક ફૂલ દો માલી' જેવી સફળ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આધ્યાત્મિક જીવન અપનાવ્યા બાદ તેઓએ પ્રખ્યાત અભિનેત્રી મનીષા કોયરાલાને દીક્ષા આપી હતી. આ ઉપરાંત વડાપ્રધાન મોદી, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સહિત દેશના ઘણાં દિગ્ગજો બાબાનું સન્માન કરતા હતા.
આ પણ વાંચોઃ આખરે ઓડિશામાં કેમ લગાવાઈ રહ્યા છે તાડના ઝાડ? જાણો માણસોનો જીવ બચાવવાની અનોખી યોજના
બાબાનું સમગ્ર જીવન વિવાદિત રહ્યું
પાયલોટ બાબાનું સમગ્ર જીવન વિવાદિત રહ્યું હતું. સેનામાં નોકરી દરમિયાન તેમના પર આદેશ વિરૂદ્ધ પોતાની મરજી ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સંન્યાસી બન્યા બાદ પણ તેમના પર ઘણાં આરોપ લગાવવામાં આવ્યા હતા, જેમાં 2010ના કુંભના મેળામાં ભક્તોને ગાડીથી કચડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે તેમના વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. નૈનિતાલમાં તેમના પર જમીન કબજે કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે બાબા જેલ પણ ગયા હતા. આટલું જ નહીં, બાબાનું એક સ્ટિંગ ઑપરેશન પણ થયું હતું, જેમાં તેઓ કાળા ધનને સફેદ કરતાં જોવા મળ્યા હતા.