ઈન્ટેલ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખનું માર્ગ અકસ્માતમાં મોત, સાયકલ લઈને જતી વખતે કારની ટક્કર
- પોલીસે કેબ ડ્રાઈવર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ FIR નોંધી
Image Source: Twitter
મુંબઈ, તા. 29 ફેબ્રુઆરી 2024, ગુરૂવાર
મહારાષ્ટ્રથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. નવી મુંબઈમાં સાયકલિંગ કરતી વખતે ઈન્ટેલ ઈન્ડિયાના પૂર્વ કન્ટ્રી હેડ અવતાર સૈનીને તેજ રફ્તાર કેબે ટક્કર મારી દીધી હતી. આ અકસ્માત બાદ સૈનીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા છે.
તેઓ બુધવારે સવારે લગભગ 5:50 વાગ્યે પેતાના મિત્રો સાથે સાયકલિંગ કરી રહ્યા હતા. તેઓ ઘણી વખત પોતાના મિત્રો સાથે શોખ માટે સાયકલિંગ કરવા માટે નીકળતા હતા. આ દરમિયાન નેરુલમાં પામ બીચ રોડ પર એક કેબ દ્વારા તેમને ટક્કર મારી દેવામાં આવી હતી જેના કારણે તેમનું મોત થઈ ગયુ છે. તેઓ ચેમ્બૂરના રહેવાસી હતા.
મિત્રો સાથે સાયકલિંગ કરી રહ્યા હતા સૈની
આ અકસ્માત અંગે એક અધિકારીએ જણાવ્યું કે, આ અકસ્માત બુધવારે સવારે લગભગ 5:50 વાગ્યે સર્જાયો હતો. આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે સૈની નેરુલ વિસ્તારમાં પામ બીચ રોડ પર મિત્રો સાથે સાયકલિંગ કરી રહ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે, તેજ રફ્તાર કેબે સૈનીની સાયકલને પાછળથી ટક્કર મારી દીધી હતી.
ટક્કર માર્યા બાદ કેબ ડ્રાઈવર ત્યાંથી ભાગી ગયો હતો. અધિકારીએ જણાવ્યું કે, આ અકસ્માતમાં સૈની ઘાયલ થઈ ગયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા.
પોલીસે આ મામલે તપાસ હાથ ધરી
સૈની 'ઈન્ટેલ 386' અને '486 માઈક્રોસોફર'ની કાર્યપ્રણાલી પર કામ કરવા માટે જાણીતા છે. તેમણે કંપનીના 'પેન્ટિયમ પ્રોસેસર'ની ડિઝાઈન તૈયાર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસે કેબ ડ્રાઈવર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ FIR નોંધી છે. આરોપીની હજુ સુધી ધરપકડ કરવામાં નથી આવી. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.