લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસને ઝટકો, પૂર્વ CMની પુત્રવધૂના દીકરી સાથે કેસરિયા
Kiran Choudhry join BJP: હરિયાણામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી બંસી લાલના પુત્રવધૂ કિરણ ચૌધરી અને તેમના પુત્રી શ્રુતિ ચૌધરીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ગઈકાલે જ બંનેએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. આજે સવારે 10.30 વાગ્યે, તેઓ બીજેપી હેડક્વાર્ટર ખાતે હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈની અને પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટરની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.
પાર્ટી ખાનગી જાગીર બની ગઈ છે...
ખડગેને લખેલા તેમના અલગ-અલગ રાજીનામામાં, કિરણ ચૌધરી અને શ્રુતિ ચૌધરીએ આડકતરી રીતે ભૂતપૂર્વ સીએમ ભૂપેન્દ્રસિંહ હુડ્ડા પર નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો કે પાર્ટી ઓફીસ 'ખાનગી જાગીર' તરીકે ચલાવવામાં આવી રહી છે. શ્રુતિ ચૌધરી હરિયાણામાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હતા. હરિયાણામાં આ વર્ષે ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
કોણ છે કિરણ ચૌધરી?
કિરણ ચૌધરી હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી બંસી લાલના પુત્રવધૂ અને ભિવાની જિલ્લાના તોશામના ધારાસભ્ય છે. હવે હરિયાણામાં જયારે ચૂંટણી નજીક જ છે ત્યારે તેમના ભાજપમાં જોડાવાથી હરિયાણામાં પાર્ટી વધુ મજબૂત થવાની સંભાવના છે.
#WATCH | Haryana CM Nayab Singh Saini says, "Today, senior Congress leaders Kiran Chaudhary and Shruti Chaudhary decided to join the BJP, I welcome them. We will work to strengthen Haryana..." pic.twitter.com/fxGeJGRN38
— ANI (@ANI) June 19, 2024
કિરણને રાજ્યસભામાં મોકલી શકાય છે
કિરણ ચૌધરી દિલ્હી વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર પણ રહી ચૂક્યા છે. રોહતકથી કોંગ્રેસના ઉમેદવાર દીપેન્દ્ર હુડ્ડાની જીતથી રાજ્યસભાની એક બેઠક ખાલી થઈ છે, જો બીજેપી આગેવાન અને કિરણ ચૌધરી વચ્ચે સમજૂતી થાય છે તો તેમને હરિયાણાથી રાજ્યસભામાં પણ મોકલવામાં આવી શકે છે. કિરણ ચૌધરી ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસનો એક ધારાસભ્ય ઓછો થશે. જો કે, કિરણે કહ્યું કે તે અને તેની પુત્રી બંને બિનશરતી ભાજપમાં જોડાયા છે.