પૂર્વ DRDO પ્રમુખ વીએસ અરૂણાચલમનું નિધન, 87 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
અરૂણાચલમને 2015માં DRDOના લાઈફટાઈમ એચિવમેન્ટ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા
તેમને શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ પુરસ્કારથી પણ સન્માયા હતા
નવી દિલ્હી, તા.16 ઓગસ્ટ-2023, બુધવાર
ડીઆરડીઓના પૂર્વ મહાનિર્દેશક વીએસ અરૂણાચલમનું આજે નિધન થયું છે. તેમણે 87 વર્ષની ઉંમરે અમેરિકામાં અંતિમ શ્વાસ લીધા... તેમના પરિવારે નિધનની જાણકારી આપી છે. કેલિફોર્નિયામાં નજીકના પરિવારના સભ્યો વચ્ચે તેમને અંતિમ શ્વાસ લીધા. અરૂણાચલમને વૈજ્ઞાનિક સંશોધન અને ટેકનોલોજીમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ 2015માં DRDOના લાઈફટાઈમ એચિવમેન્ટ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.
ઉત્કૃષ્ટ સેવા બદલ અરૂણાચલમને મળ્યા હતા આ પુરસ્કારો
તેમણે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, નેશનલ એરોનોટિકલ લેબોરેટરી અને ડિફેન્સ મેટલર્જિકલ રિસર્ચ લેબોરેટરીમાં ઘણા પદો પર મહત્વની જવાબદારી નિભાવી હતી. અરૂણાચલમ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા - ડીઆરડીઓના પ્રમુખ પણ રહ્યા હતા. તેઓ 1982-92 સુધી સંરક્ષણ મંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર પણ હતા. તેમને એન્જિનિયરિંગ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં મહત્વના યોગદાન બદલ શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર (1980), પદ્મ ભૂષણ (1985) અને પદ્મ વિભૂષણ (1990)થી સન્માનિત કરાયા હતા.
વિદેશમંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ
વિદેશમંત્રી એસ.જયશંકરે કહ્યું કે, સંરક્ષણ મંત્રીના પૂર્વ વૈજ્ઞાનિક સલાહકાર ડૉ.વી.એસ.અરૂણાચલના નિધન અંગે જાણી દુઃખ થયું... તેઓ સંરક્ષણ, ટેકનોલોજી અને પરમાણુ મામલે ઘણા લોકોના ગુરુ હતા.
કોંગ્રેસ નેતા જયરામ રમેશે શોક વ્યક્ત કર્યો
કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે, રાજા રમન્ના બાદ અરૂણાચલમે 1982-92 દરમિયાન એક દાયકા સુધી ડીઆરડીઓનું માર્ગદર્શન કર્યું અને તેને આકાર આપ્યો... ત્યારબાદ આ પદ પર ડૉ.એપીજે અબ્દુલ કલામ રહ્યા... ડૉ.અરૂણાચલમના વિશેષરૂપે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે મધુર સંબંધો હતા... તેઓ બીએઆરસી અને સીએસઆઈઆરમાં એક વિશિષ્ટ કેરિયર બાદ ડીઆરડીઓ આવ્યા હતા. તેમનામાં અદભુત હાસ્યની ભાવના હતી.