દિલ્હીમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, બે પૂર્વ ધારાસભ્યોએ AAP સાથેના ગઠબંધનનો વિરોધ કરી પાર્ટી છોડી
Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીના બે તબક્કાનું મતદાન થઈ ગયું છે અને હવે ત્રીજા તબક્કાનું મતદાન સાતમી મેએ થવાનું છે. ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામાનો દોર યથાવત છે. અગાઉ અનેક નેતાઓએ રાજીનામાં આપીને પાર્ટીને રામ-રામ કર્યા છે. અને નારાજ નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્યોએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.
બે પૂર્વ ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું
પૂર્વ ધારાસભ્યો નસીબ સિંહ અને નીરજ બસોયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. અને રાજીનામામાં પાર્ટી છોડવાનું કારણ પણ આપ્યું છે. તેમણે પોતાના રાજીનામામાં ઉદિત રાજના નિવેદનો પર નારાજગી વ્યક્ત કરી છે. નોંધનીય છે કે કોંગ્રેસે ઉદિત રાજને દિલ્હીની નોર્થ વેસ્ટ બેઠક પરથી ઈન્ડિયા એલાયન્સના ઉમેદવાર બનાવ્યા છે. જો કે તેમને બહારના ઉમેદવાર ગણાવીને ત્યાં પણ વિરોધ ઉગ્ર બન્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ અરવિંદર સિંહ લવલીએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું.
દિલ્હીમાં બે ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે
અગાઉ રવિવારે અરવિંદર સિંહ લવલીના રાજીનામા બાદ દિલ્હી કોંગ્રેસના કાર્યકરોએ ઉત્તર પૂર્વ દિલ્હી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમારનો વિરોધ કર્યો હતો. પાર્ટીના કાર્યકરો કન્હૈયા કુમારના ચૂંટણી કાર્યાલયની બહાર કાળા પોસ્ટર લઈને ઉભા હતા. જેમાં લખવામાં આવ્યું હતું કે, 'સ્થાનિક ઉમેદવારોની જરૂર છે, બહારના ઉમેદવારોની નહીં.' હાલમાં કોંગ્રેસે દેવેન્દ્ર યાદવને દિલ્હી કોંગ્રેસના નવા અધ્યક્ષ બનાવ્યા છે.