Get The App

કોંગ્રેસને મોટું નુકસાન! ઈન્દિરા ગાંધી માટે ક્રિકેટ બોલથી વિમાન હાઈજેક કરનારા કદાવર નેતાનું નિધન

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
Bhola Pandey


Ex-MLA Bhola Pandey Passes Away: ઈન્દિરા ગાંધી માટે ક્રિકેટ બોલથી વિમાન હાઈજેક કરનાર ભોલા પાંડેનું નિધન થઇ ગયું. હાઇજેકની આ ઘટના પછી તે આખી દુનિયામાં પ્રખ્યાત થઈ ગયા હતા અને ઈન્દિરા ગાંધીના ખાસ નજીકના વ્યક્તિ બની ગયા હતા. ત્યારપછી ત્રણ દાયકા સુધી કોંગ્રેસની રાજનીતિમાં ખાસ નેતા બની ગયેલા ડૉ.ભોલાનાથ પાંડેનું શુક્રવારે લખનઉમાં તેમના નિવાસસ્થાને નિધન થયું. 

કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ રહ્યા હતા 

ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના સમયથી ગાંધી પરિવારના ખૂબ જ નજીક રહેલા ભોલા પાંડે 1980 થી 1985 અને 1989 થી 1991 દરમિયાન બે વાર દ્વાબા (હાલ બૈરિયા) ના ધારાસભ્ય તેમજ કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ હતા. 71 વર્ષના ભોલા લાંબા સમયથી બીમાર હતા. તેમના નિધનના સમાચાર મળતા જ દ્વાબા સહિત સમગ્ર બૈરિયામાં શોકનું મોજું પ્રસરી ગયું હતું. તેમના શુભચિંતકો અને પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં લખનઉ જવા રવાના થયા હતા.

આ પણ વાંચો: ઉત્તરપ્રદેશમાં મોદીનો વારસો યોગી જ સંભાળશે, આરએસએસની બેઠકમાં અપાયા સ્પષ્ટ સંકેત

કોંગ્રેસ માટે મોટો ઝટકો 

બૈરિયા વિસ્તારના મુનિછાપરા ગામમાં રહેતા ડો.ભોલા પાંડેનો જન્મ 25 ઓક્ટોબર 1973ના રોજ થયો હતો. ઇન્ટર કોલેજ બૈરિયા અને દુબેછપરામાંથી પ્રારંભિક અભ્યાસ કર્યા પછી તેમણે BHUમાંથી સ્નાતક કર્યું અને હિન્દી વિષયમાં પીએચડીની ડિગ્રી મેળવી. શરૂઆતથી જ કોંગ્રેસ સાથે જોડાયેલા ભોલાનાથ 1980માં દ્વાબાના તત્કાલિન મજબૂત નેતા મેનેજર સિંહને હરાવીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. 

ત્યારપછી તેઓ 1989માં બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા. તેઓ 1986 થી 1990 સુધી ઓલ ઈન્ડિયા યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ રહ્યા હતા. 1991માં તેમને કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા. તેમણે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોના પાર્ટી પ્રભારી તરીકે લાંબા સમય સુધી સંગઠનમાં કામ કર્યું.

ક્રિકેટ બોલથી વિમાન હાઇજેક કરી લીધું હતું 

તે સમયે કેન્દ્રમાં જનતા પાર્ટીની સરકાર હતી અને મોરારજી દેસાઈ વડાપ્રધાન હતા. ત્યારે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની 19 ડિસેમ્બર 1978ના રોજ સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ વિશે માહિતી મળતા, 21 વર્ષીય ડૉ. ભોલા પાંડે અને તેમના અન્ય સાથી દેવેન્દ્ર પાંડેએ 20 ડિસેમ્બર 1978ના રોજ બોઇંગ 737 વિમાનને હાઇજેક કર્યું હતું. 

આ પણ વાંચો: મ.પ્રદેશના છતરપુરમાં પથ્થરમારાના આરોપીની રૂ. 10 કરોડની ભવ્ય હવેલી તોડી પડાઈ

મજાની વાત એ છે કે ભોલાનાથએ ક્રિકેટના બોલને રૂમાલમાં લપેટીને બોમ્બ કહીને લખનૌથી દિલ્હીની ફ્લાઈટને વારાણસીમાં ઉતારી હતી. જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે ઈન્દિરા ગાંધીને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી હતી. આ ઘટનાએ ડૉ. ભોલા પાંડેને એક ક્ષણમાં જ વિશ્વમાં એક પ્રખ્યાત ચહેરો બનાવી દીધો અને ગાંધી પરિવાર માટે તેમના દરવાજા પણ કાયમ માટે ખોલી દીધા. આ ઘટના બાદ ડો.ભોલા જેલમાં ગયા હતા. જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે કોંગ્રેસે તેમને ટિકિટ આપી અને તેઓ પ્રથમ વખત દ્વાબાથી ધારાસભ્ય બન્યા.

કોંગ્રેસને મોટું નુકસાન! ઈન્દિરા ગાંધી માટે ક્રિકેટ બોલથી વિમાન હાઈજેક કરનારા કદાવર નેતાનું નિધન 2 - image



Google NewsGoogle News