તેલંગાણાના પૂર્વ મુ.મં. કેસીઆર પડી જતાં નિતંબનું હાડકું ભાંગી ગયું : હોસ્પિટલમાં દાખલ કરાયા
- 2014માં તેલંગાણાનું સર્જન થયું ત્યારથી ગઈ ચૂંટણી સુધી મુ.મં. પદે રહેલા કે. ચંદ્રશેખર રાવ એર્રાવલ્લી સ્થિત પોતાનાં ફાર્મ હાઉસમાં પડી ગયા હતા
હૈદરાબાદ : તેલંગાણાના પૂર્વ મુ.મં. કે.ચંદ્રશેખર રાવ એર્રાવલ્લી સ્થિત પોતાનાં ફાર્મ હાઉસમાં ગઈકાલે રાત્રે પડી જતાં તેઓના નિતંબનું હાડકું તૂટી ગયું, પરિણામે તેઓને મધરાતે જ 'યશોદા હોસ્પિટલમાં' દાખલ કરાયા હતા.
૨૦૧૪માં આંધ્ર પ્રદેશમાંથી છુટું પાડી તેલંગાણાની રચના થઈ ત્યારથી ગઈ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં ત્યાં સુધી તેઓ રાજ્યના મુખ્યમંત્રી પદે રહ્યા હતા.
તે સર્વવિદિત છે કે તેલંગાણામાં તાજેતરની યોજાયેલી વિધાનસભાની ૧૧૯ બેઠકો માટેની ચૂંટણીમાં તેમના પક્ષ 'ભારત રાષ્ટ્ર સમિતિ' (બી.આર.એસ.)ને માત્ર ૩૯ બેઠકો જ મળી હતી જ્યારે ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી કોંગ્રેસ ૬૪ બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે વિજયી થતાં હવે તેની સરકાર યોજાઈ છે.
રાજ્ય વિધાનસભાની આ ચૂંટણીમાં કેસીઆર સિદીપેટ જિલ્લાનાં ગજવેવ વિધાન ક્ષેત્રમાંથી પોતાના નિકટતમ પ્રતિસ્પર્ધી ભાજપના નેતા એટાલા રાજેન્દરને ૪૫,૦૩૧ મતોથી પરાજિત કરી વિજયી થયા હતા. પરંતુ તેઓનાં બીજા નિર્વાચન ક્ષેત્રમાં તેઓ કામા રેડ્ડીના હાથે પરાજિત થયા હતા.
જોકે ગજવેલા વિધાનસભા ક્ષેત્રમાંથી વિજયી થતાં તેઓ રાજ્ય વિધાનસભાના સભ્ય તો રહેશે જ, તેટલું જ નહીં પરંતુ ૩૯ બેઠકો સાથે તેઓ ગૃહમાં વિરોધ પક્ષના નેતા તરીકે તો રહેશે જ.
તે યાદ રહે કે કોઈપણ વિધાનસભામાં કે સંસદમાં પણ 'સ્વીકૃત વિપક્ષ'ના નેતાને રાજ્ય કક્ષાના મંત્રીપદે રહેવાનો તને તેટલું વેતન મળતું જ હોય છે. કેસીઆરને કદાચ આર્થિક જરૂરિયાત ન પણ હોય છતાં વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે તેઓ રાજ્યકક્ષાનાં મંત્રીપદે રહેવાને મળતું વેતન મેળવવાને પાત્ર તો છે જ.