'સુખદેવ સિંહના હત્યારાઓને જાહેરમાં ગોળી મારીને એન્કાઉન્ટર કરો', ભડક્યા પૂર્વ ડાકૂ મલખાન સિંહ
સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાથી દેશભરમાં ક્ષત્રિય સમાજ ગુસ્સે ભરાયો
હત્યારાઓનું ભરબજારમાં ગોળી મારીને એન્કાઉન્ટર કરો : મલખાન સિંહ
રાજસ્થાનની રાજધાની જયપુરમાં મંગળવારે કેટલાક શખ્સોએ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. રાજપૂત નેતાની ધોળા દિવસે ઘરમાં ઘુસીને હત્યાથી દેશભરમાં ક્ષત્રિય સમાજ ગુસ્સે ભરાયો છે. હત્યાકાંડના વિરોધમાં આખા રાજસ્થાનમાં બંધનું એલાન કરાઈ રહ્યું છે. જ્યારે દેશના તમામ શહેરોમાં ક્ષત્રિય સમાજે ધરણા-પ્રદર્શન કર્યું. હવે ચંબલ વિસ્તારમાં ડાકૂ રહી ચૂકેલા મલખાન સિંહે સુખદેવ સિંહ ગોગામેડીના હત્યારાઓની ભરબજારમાં ગોળી મારીને એન્કાઉન્ટર કરવાની માંગ કરી છે.
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ડાકુ સમ્રાટ દાદા મલખાન સિંહે કહ્યું કે, કરણી સેનાના સુખદેવ સિંહ ગોગામેડી નેતાગિરી નહોતા કરતા. જનતા માટે ગોગામેડીએ અવાજ ઉઠાવ્યો. તેઓ અન્યાય અને અત્યાચાર વિરૂદ્ધ ઉભેલા દેખાયા હતા. મહિલાઓ અને પછાત લોકોની મદદ માટે ગોગામેડીએ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બનાવી. આ માત્ર ગોગામેડીની નહીં, પરંતુ આખા દેશની હત્યા છે. જો કોઈ અત્યાચાર વિરૂદ્ધ અવાજ ઉઠાવે તો શું તેને ગોળીઓ મારી દેવાશે. આ બહુ મોટો અન્યાય છે.
અંતે સુખદેવ સિંહ ગોગામેડીએ એવો કયો ગુનો કર્યો કે તેમને ગોળી મારી દેવામાં આવી? એટલા માટે ગુનેગારોને માફ ન કરવા જોઈએ. મારનારા કોઈ બહાદુર લોકો નથી. બહાદુર લોકો લલકાર કરે છે, દગો આપીને નથી મારતા. કારણ કે એવી ક્રૂરતા મેં નથી જોઈ. આરોપી કેટલા મોટા ગદ્દાર છે કે નાસ્તો-ચા પીને તેના ઘરના વડિલની હત્યા કરી ગયા.
ચૂંટણી પંચના આદેશ પર તમામ ચૂંટણીઓના બે મહિના પહેલા પોલીસ સ્ટેશનમાં બંદૂકો જમા કરી લેવામાં આવે છે. આ સિવાય કડક સુરક્ષા હોય છે. તો હવે આ હત્યા કેવી રીતે થઈ ગઈ? તેની તપાસ થવી જોઈએ કે આ બંદૂકો ક્યાંથી આવી? કઈ ગેંગે તેમને મોકલ્યા?
હવે સરકાર પાસે માંગ છે કે, શૂટર જો પકડાય તો તેનું સીધું એન્કાઉન્ટર કરી દેવામાં આવે. આરોપીઓને જેલમાં રોટી ખવડાવવાની જરૂર નથી. ચોક વચ્ચે આરોપીઓને મારી દેવામાં આવે. સાથે જ જે કોઈએ ગોગામેડીની હત્યા કરાવી છે, તેને પણ બજારમાં મારી દેવામાં આવે.
હવે કરણી સેના ચૂપ નહીં બેસે, કારણ કે ગોગામેડીએ ઘણા સુખદેવ બનાવ્યા છે. ગોગામેડી ઘણા સારા માણસ હતા. નામ માત્રનો તેમને ઘમંડ ન હતો. એવી હત્યા કરનારાઓને છોડવામાં નહીં આવે.