ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રીની દીકરી સાથે ઠગાઈ, મકાન વેચવાના નામે ગઠિયો 3.5 કરોડ ચાંઉ કરી ગયો
VK Singh Daughter Was Cheated: ગાઝિયાબાદના પૂર્વ સાંસદ અને કેન્દ્રીય મંત્રી જનરલ વી. કે. સિંહની દીકરી યોગજા સિંહ સાથે છેતરપિંડી થઈ છે. યોગજા સિંહે કવિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, લોખંડનો વેપારી આનંદ પ્રકાશ મકાન વેચવાના નામે તેના સાડા ત્રણ કરોડ રૂપિયા ચાંઉ કરી ગયો છે.
ફરિયાદ અનુસાર, યોગજા સિંહે 14 જૂન, 2014ના રોજ રાજનગરમાં આનંદ પ્રકાશ સાથે સાડા પાંચ કરોડમાં એક મકાનનો સોદો કર્યો હતો. જેના માટે બાના પેટે રૂ. 10 લાખ આપ્યા હતા. 15 જુલાઈ, 2014ના રોજ આ મકાનનો કબજો મળ્યો હતો. તેના પર લોન કરાવવાની હોવાથી યોગજા સિંહે સાડા તેત્રીસ લાખ આનંદ પ્રકાશના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. તેણે લોન માટે મકાનના દસ્તાવેજ માગ્યા હતા, પરંતુ તેણે દસ્તાવેજ કરાવવા વધુ પૈસાની ડિમાન્ડ કરી હતી. 2018માં મે એક કરોડ, 15 નવેમ્બર, 2019માં એક કરોડ અને 12 ઓક્ટોબર, 2023ના રોજ 1 કરોડ આપ્યા હતા. આમ આનંદ પ્રકાશે કુલ રૂ. 3.48 કરોડ પડાવ્યા હતા.
આ પણ વાંચોઃ ભારત અને કેનેડા વચ્ચેના વિવાદને કારણે આ કંપનીઓનું ટેન્શન વધી ગયું, કર્યું છે મોટું રોકાણ
પ્રોપર્ટી પર અગાઉથી એક લોન
યોગજા સિંહે જણાવ્યું કે, બેન્કે 21 ઓક્ટોબર, 2023ના રોજ મારી રૂ. 2 કરોડની લોન મંજૂર કરી હતી. ત્યારબાદ મેં મકાનની રજિસ્ટ્રી કરાવવા કહ્યું હતું. રજિસ્ટ્રી માટે વારંવાર કહેવા છતાં આનંદ પ્રકાશે મારી વાત કાને ધરી નહીં. અને બાદમાં મને જાણ થઈ કે, આનંદ પ્રકાશે અગાઉથી જ તેના પર લોન લીધી હતી. તે મકાનમાંથી મને કાઢી મૂકવા માગતો હતો.