રશિયામાં સુરતના યુવકના મોત બાદ ભારતીયોની મુક્તિ માટે વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન, જાણો શું કહ્યુ?
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 26 ફેબ્રુઆરી 2024 સોમવાર
વિદેશ મંત્રાલયે કહ્યુ કે ભારતની માંગ પર રશિયાએ ઘણા ભારતીયોને રશિયન સેનામાંથી મુક્ત કરાવી દીધા છે. સોમવારે એક નિવેદન જારી કરીને મંત્રાલયે કહ્યુ ભારત રશિયન સેનાથી ભારતીય નાગરિકોની તાત્કાલિક મુક્તિ માટે રશિયન અધિકારીઓ સાથે વાત કરી રહ્યા છે અને આ ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાં સામેલ છે.
તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે હેલ્પર માટે ભરતી કરવામાં આવેલા ભારતીયનો રશિયા જઈને બળજબરીથી રશિયન સેનામાં યુક્રેન વિરુદ્ધ યુદ્ધ લડવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર રશિયામાં ફસાયેલા ભારતીયોએ ભારત સરકાર પાસે મદદની માંગ કરી છે. જોકે, વિદેશ મંત્રાલયે તમામ સમાચારોને ફગાવી દીધા છે.
મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યુ, અમે રશિયન સેના પાસેથી મુક્તિ માટે મદદ માંગનાર ભારતીયો અંગે મીડિયામાં અમુક ખોટા રિપોર્ટ જોયા છે. મોસ્કો સ્થિત ભારતીય દૂતાવાસમાં આ સંબંધિત જેટલા પણ મામલા સામે આવ્યા છે. તેને રશિયન અધિકારીઓની સાથે મજબૂતીથી ઉઠાવવામાં આવ્યા છે. જે મામલા મંત્રાલયની સમક્ષ આવ્યા છે, તેને અમે દિલ્હી સ્થિત રશિયન દૂતાવાસમાં ઉઠાવ્યા છે.
મંત્રાલયે કહ્યુ કે તેનું પરિણામ એ આવ્યુ છે કે ઘણા ભારતીય પહેલેથી જ રશિયાથી પાછા આવી ચૂક્યા છે. ગયા અઠવાડિયે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યુ હતુ કે રશિયન સેનામાં હેલ્પર તરીકે કામ કરી રહેલા ભારતીયોની તાત્કાલિક મુક્તિને લઈને ભારત રશિયન અધિકારીઓની સાથે વાતચીત કરી રહ્યા છે. સાથે જ તેમણે કહ્યુ હતુ કે ભારતીય યુક્રેનની સાથે ચાલી રહેલા રશિયાના યુદ્ધથી દૂર રહેવાનો પ્રયત્ન કરે. તેમણે કહ્યુ હતુ અમે તમામ ભારતીય નાગરિકોને આગ્રહ કરીએ છીએ કે તેઓ સતર્કતા રાખે અને સંઘર્ષથી દૂર રહેવાનો પ્રયત્ન કરે.
મીડિયા રિપોર્ટ્સમાં શું કહેવામાં આવ્યુ?
તાજેતરમાં જ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યુ કે નવેમ્બર 2023થી લગભગ 18 ભારતીય નાગરિક રશિયા-યુક્રેન સરહદ પર ફસાયેલા છે. આ લોકો મારિયુપોલ, ખારકીવ, ડોનેત્સક, રોસ્ટોવ-ઓન-ડોનમાં છે. યુદ્ધ દરમિયાન એક ભારતીય નાગરિકનું મોત પણ નીપજ્યુ છે.
રશિયામાં ભારતીયોને રિસીવ કરનાર એક એજન્ટે કહ્યુ કે આ લોકો ભારતના અલગ-અલગ રાજ્યોમાંથી છે અને તેમના જીવને ગંભીર જોખમ છે.એજન્ટે કહ્યુ હતુ, તેમને રશિયામાં આર્મી હેલ્પર્સની નોકરી ઓફર કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યુ હતુ કે તેમને 3 મહિના સુધી ટ્રેનિંગ આપવામાં આવશે અને અમુક નોર્મલ ટેસ્ટ કરવામાં આવશે. તેમને કિચન હેલ્પર્સ કે આ પ્રકારના બીજા કામ કરાવવામાં આવશે પરંતુ એક મહિનો વીત્યા બાદ તેમના પાસપોર્ટ છીનવી લેવામાં આવ્યા અને તેમને યુક્રેન વિરુદ્ધ યુદ્ધ લડવા માટે મજબૂર કરવામાં આવ્યા. રશિયા અને યુક્રેન યુદ્ધને બે વર્ષ થઈ ગયા છે. બંને દેશની વચ્ચે ફેબ્રુઆરી 2022માં યુદ્ધ શરૂ થયુ હતુ જે હજુ સુધી ચાલુ છે.