ભારતની ચૂંટણીમાં વિદેશી હસ્તક્ષેપ: ટ્રમ્પના દાવા બાદ ભાજપના રાહુલ ગાંધી પર પ્રહાર
Image Twitter |
BJP Targets Rahul Gandhi: ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ ગુરુવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાંધી આરોપ લગાવ્યો કે, લોકસભા સાંસદ ગ્લોબલ નેટવર્ક સાથે મળી ભારતના હિતોને નબળા પાડી રહ્યા છે. તેમની આ ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાઈડેનના વહીવટીતંત્ર પર ભારતની ચૂંટણીમાં દખલ કરવાનો આરોપ લગાવ્યો છે.
બાઈડેન વહીવટીતંત્રના નિર્ણય પર ટ્રમ્પે ઉઠાવ્યા સવાલ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધારવા માટે 21 મિલિયન ડોલર ફાળવવાના હેતુ પર સવાલ ઉઠાવ્યા છે. મિયામીમાં FII પ્રાથમિકતા શિખર સમ્મેલનને સંબોધન કરતાં ટ્રમ્પે કહ્યું કે, 'આપણે ભારતમાં મતદાન પર $21 મિલિયન ખર્ચવાની કેમ જરૂર પડી? મને લાગે છે કે તેઓ બીજા કોઈને ચૂંટવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આપણે ભારત સરકારને કહેવું પડશે... આ એક મોટી સફળતા છે.'
ભારતના મામલે વિદેશી હસ્તક્ષેપ કરવાનો આરોપ
ટ્રમ્પના નિવેદનનો ઉલ્લેખ કરતાં ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણી પહેલા ભારતના મામલામાં વિદેશી હસ્તક્ષેપની માંગ કરી રહ્યા છે. અમિત માલવિયાએ વર્ષ 2023 માં રાહુલ ગાંધીએ લંડનમાં આપેલા એક ઇન્ટરવ્યુનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે લખ્યું, '2024 ની લોકસભા ચૂંટણી પહેલા માર્ચ 2023માં રાહુલ ગાંધી લંડનમાં હતા અને અમેરિકાથી લઈને યુરોપ સુધીની વિદેશી તાકાતોને ભારતના આંતરિક મામલામાં દખલ કરવા માટે આગ્રહ કરી રહ્યા હતા.'
'ભારતના હિતોને નબળા પાડવાની કોશિશ'
અમિત માલવિયાએ કહ્યું, 'રાહુલ ગાંધીએ ભારતની રણનીતિ અને ભૂ-રાજકીય હિતોને નબળા પાડવાની કોશિશ કરી રહેલા વૈશ્વિક નેટવર્ક સાથે પોતાને જોડ્યા છે, જે ભારતના વ્યૂહાત્મક અને ભૂ-રાજકીય હિતોને નબળા પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે અને વિદેશી એજન્સીઓ માટે એક કડી તરીકે કામ કરી રહ્યું છે. હવે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પુષ્ટિ આપી છે કે, ખરેખર ભારતીય ચૂંટણીઓને પ્રભાવિત કરવાનો અને નરેન્દ્ર મોદી સિવાય અન્ય કોઈને વડાપ્રધાન તરીકે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.'