હિંદી દિવસની બળજબરીથી ઉજવણી કર્ણાટકના લોકો સાથે અન્યાયઃ કુમારસ્વામી
- 1965માં બીજી વખત હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો
નવી દિલ્હી, તા. 13 સપ્ટેમ્બર 2022, બુધવાર
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું કહેવું હતું કે, હિન્દી સામાન્ય જનમાનસની ભાષા છે. કેટલાક ઈતિહાસકારો એ પણ જણાવતા હતા કે, તેઓ હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાના પણ પક્ષમાં હતા. જોકે, હજુ સુધી એ શક્ય નથી બન્યું. દક્ષિણના રાજ્યોમાં આ પ્રસ્તાવનો ખૂબ જ વિરોધ થાય છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામીએ અહીં સુધી કહ્યું કે, 14 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવનાર હિન્દી દિવસ જબરજસ્તી મનાવવો એ કર્ણાટકના લોકો સાથે અન્યાયની જેમ હશે.
તમને જણાવી દઈએ કે, આ કોઈ પ્રથમ વાર નથી. આ અગાઉ પણ હિન્દીનો વિરોધ થતો આવ્યો છે. ચાલો એ જાણવાનો પ્રયત્ન કરીએ કે, ક્યારે-ક્યારે હિન્દીને લઈને દક્ષિણના રાજ્યોમાં વિરોધ થયો છે.
કુમાર સ્વામીએ હિન્દી દિવસની ઉજવણી બંધ કરવાની માંગ કરી હતી
અગાઉ પણ કુમારસ્વામીએ હિન્દી દિવસની ઉજવણીનો વિરોધ કરતા કહ્યું હતું કે જેમની માતૃભાષા હિન્દી નથી તેમના માટે તેનો કોઈ અર્થ નથી. તેમણે હિન્દી દિવસની ઉજવણી બંધ કરવાની પણ માંગ કરી હતી. ગયા વર્ષે હિન્દી દિવસ માટે કન્નડ તરફી સંગઠનો દ્વારા સોશિયલ મીડિયા પર ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.
આઝાદી પહેલાથી હિન્દીનો વિરોધ થતો આવ્યો છે
હિન્દીનો વિરોધ કોઈ નવી વાત નથી. ભારતની આઝાદી પહેલા પણ અનેક અવસર પર તેનો વિરોધ કરવામાં આવ્યો છે. તમિલનાડુમાં 1937માં ચક્રવર્તી રાજગોપાલાચારીની સરકારે મદ્રાસ પ્રાંતમાં હિન્દીને લાવવાનું સમર્થન આપ્યું હતું. ત્યારે પેરિયારની જસ્ટિસ પાર્ટી વિપક્ષમાં હતી. તેણે તેનો વિરોધ કર્યો. આંદોલન થયા હતા. વિવિધ સ્થળોએ હિંસા પણ ફાટી નીકળી હતી. બે લોકોના જીવ પણ ગયા હતા. આ પછી રાજગોપાલાચારીની સરકારે 1939માં રાજીનામું આપી દીધું હતું.
હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાનો પ્રયત્ન 1965માં થયો હતો
1965માં બીજી વખત હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ દરમિયાન બિન-હિન્દી ભાષી રાજ્યોમાં પણ ઉગ્ર વિરોધ થયો હતો. ડીએમકે નેતા દોરાઈ મુરુગનની પચાઈપ્પન કોલેજમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
હિન્દી વિરુદ્ધ આંદોલનમાં 70 લોકોનો જીવ ગયો હતો
પ્રાપ્ત માહિતી પ્રમાણે તમિલનાડુમાં હજારો લોકોની ધરપકડ કરવામાં આવી હતી. મદુરઈમાં વિરોધ પ્રદર્શનોએ હિંસક રૂપ લીધુ હતું. સ્થાનિક કોંગ્રેસ કાર્યાલયની બહાર એક હિંસક ઘર્ષણમાં 8 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ હિંસક વિરોધ પ્રદર્શન લગભગ બે અઠવાડિયા સુધી ચાલ્યું હતું. સરકારી આંકડા પ્રમાણે આ દરમિયાન વિરોધ પ્રદર્શનમાં 70 લોકોના જીવ ગયા હતા.
બંગાળમાં પણ હિન્દીનો વિરોધ
હિન્દીનો વિરોધ માત્ર દક્ષિણ ભારતના રાજ્યોમાં જ ન હતો. પશ્ચિમ બંગાળના તત્કાલિન મુખ્યમંત્રી બીસી રોય પણ હિન્દીના વિરોધમાં હતા. વિરોધ કરનારાઓમાં દક્ષિણના કોંગ્રેસ શાસિત રાજ્યો પણ સામેલ હતા. તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને લાલ બહાદુર શાસ્ત્રીએ વિરોધ શાંત કરવા માટે આશ્વાસન આપવું પડ્યું હતું.