૨૦ વર્ષમાં પહેલીવાર અરુણાચલમાં મહિલાને કેબિનેટમાં સ્થાન મળ્યું, સીએમ પેમાખાંડુની હેટ્રીક
૨૦૧૬માં પ્રથમવાર હ્યયુલિયાંગ બેઠક પરથી પ્રથમવાર ચુંટાયા હતા.
મહિલા વિધાયક અરુણાચલના પૂર્વ મુખ્યમંત્રી કલિઓ પુલના પત્ની છે
ઇટાનગર,૧૩ જૂન,૨૦૨૪,ગુરુવાર
અરુણાચલપ્રદેશની વિધાનસભામાં ભાજપને જવંલત વિજય મળવાની સાથે જ બીજેપીના નેતા પેમા ખાંડુએ ત્રીજી વાર રાજયના મુખ્યમંત્રી બન્યા છે. ચીનની સરહદ નજીક આવેલું ભારતનું આ સરહદી રાજય ખૂબજ સંવેદનશીલ છે. ચીનનો ડોળો મંડાયેલો રહે છે ત્યારે લોકોનો સ્પષ્ટ જનાદેશ મહત્વનો છે. હ્યયિલિયાંગ વિધાનસભા બેઠક પરથી ચુંટાયેલી મહિલા વિધાયક દાસંગલૂ પુલ મંત્રી બની છે. અરુણાચલપ્રદેશમાં કેબિનેટની રચના થઇ તેમાં ૨૦ વર્ષ પછી પ્રથમવાર કોઇ મહિલાને વિધાનસભ્યને કેબિનેટમંત્રીનું સ્થાન મળ્યું છે. દાસંગલૂ પુલ ૨૦૧૬માં પ્રથમવાર હ્યયુલિયાંગ બેઠક પરથી પ્રથમવાર ચુંટાયા હતા.
આ મહિલા વિધાયક અરુણાચલના પૂર્વ મુખ્યમંત્રી કલિઓ પુલના પત્ની છે જે પોતાના વિધાનસભા ક્ષેત્રમાં કોઇ પણ વિરોધ વિના સંમતિથી ચુંટાઇ હતી. લોકજનશકિત પાર્ટીના થાકજેલિયમ ટિંડયા અને કોંગ્રેસના બાફુત્સો ક્રોંગે પોતાનું ઉમેદવારી પત્ર પાછુ ખેંચી લેતા દાસંગલ પૂલને પ્રતિ સ્પર્ધા વિના ચુંટાવાની તક મળી હતી. દાસંગલૂ પૂલ ૫ કરોડની સંપતિ ધરાવે છે એવું એફિડેવિટમાં જણાવેલું છે. તેમની પાસે મોંઘી ગાડીઓનું કલેકશન પણ છે.
અરુણાચલના રાજકારણમાં દાસંગલૂ પુલ ચર્ચાસ્પદ પણ રહયા છે. ૨૬ એપ્રિલ ૨૦૨૩માં ગૌહાટી હાઇકોર્ટે ૨૦૧૯માં યોજાયેલી વિધાનસભા ચુંટણીમાં મળેલી જીતને ઉમેદવારીપત્રમાં જાણકારી છુપાવવા બદલ ગેરલાયક ઠેરવી હતી. અદાલતનો આ નિર્ણય દાસંગલૂની પ્રતિસ્પર્ધી લુપાલમ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના સંદર્ભમાં આવ્યો હતો. લુપાલમે આરોપ લગાવ્યો હતો કે નામાંકન ફોર્મમાં પોતાના દિવંગત પતિની સંપતિ અંગે ખુલાસો કરવામાં આવ્યો ન હતો. જો કે સુપ્રિમકોર્ટ દ્વારા દાસંગલૂની વિધાનસભા સદસ્યતાને બહાલી આપીને ગૌહાટી હાઇકોર્ટના ચુકાદાને રદ્ કર્યો હતો.