NIA એ દાઉદ ઈબ્રાહિમ સહિત D કંપની પર જાહેર કર્યા ઇનામ
નવી દિલ્હી,તા. 1 સપ્ટેમ્બર 2022,ગુરુવાર
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ(NIA) એ D કંપની સાથે જોડાયેલા લોકો વિશે માહિતી આપનારને ઇનામ આપવાની ઘોષણા કરી છે.
NIAએ ગુરુવારે ‘D’ કંપની સંબંધિત તપાસમાં આ કાર્યવાહી કરી છે. ખાસ વાત એ છે કે ભારતમાં ઘણી આતંકી ગતિવિધિઓ માટે વોન્ટેડ દાઉદ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા 25 લાખનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે.
આ લિસ્ટમાં દાઉદ ઈબ્રાહિમ પર 25 લાખ રૂપિયાની જાહેરાત કરી છે. આ સિવાય અંડરવર્લ્ડ ડોનના સહયોગીઓ પર ઈનામની પણ જાહેરાત કરવામાં આવી છે. ઇબ્રાહિમ દાઉદ ભારતમાં 1993ના મુંબઈ વિસ્ફોટ સહિત અનેક કેસમાં વોન્ટેડ છે.
મહત્વનું છે કે, પહેલીવાર આ લોકોની જૂની અને નવી તસવીરો એકસાથે રિલીઝ કરવામાં આવી છે. જોકે દાઉદનો કોઈ નવો ફોટો નથી. તેમનો એ જ ફોટો જાહેર કરવામાં આવ્યો છે, જે 1993ના મુંબઈ વિસ્ફોટ બાદ અનેક સરકારી એજન્સીઓએ જાહેર કર્યો હતો.
નામ ન આપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું કે, એજન્સીએ દાઉદના ભાઈ અનીસ ઈબ્રાહિમ ઉર્ફે હાજી અનીસ, નજીકના સંબંધીઓ જાવેદ પટેલ ઉર્ફે જાવેદ ચિકના, શકીલ શેખ ઉર્ફે છોટા શકીલ અને ઈબ્રાહિમ મુશ્તાક અબ્દુલ રઝાક મેમણ ઉર્ફે ટાઈગર મેમણ માટે ઈનામની જાહેરાત કરી છે.
- ઇબ્રાહિમ દાઉદ પર 25 લાખ રૂપિયા
- છોટા શકીલ પર 20 લાખ રૂપિયા
- અનીસ, ચિકના અને મેમણ પર 15 લાખ રૂપિયા ઇનામની જાહેરાત
ભારતમાં મોસ્ટ વોન્ટેડની યાદીમાં દાઉદ સિવાય લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદ, હિઝબુલ મુજાહિદ્દીનના સૈયદ સલાહુદ્દીન અને જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહર નજીકના સહયોગી અબ્દુલ રઉફ અસગર પણ સામેલ છે.
NIA ના એક રિપોર્ટ પ્રમાણે દાઉદ ગેંગના લોકો પાકિસ્તાનના સપોર્ટવાળા આતંકી સંગઠનો સુધી ફંડ પહોંચાઇ રહ્યાં છે, જેના કારણે મુંબઇ,ઠાણે અને તેની આસપાસના વિસ્તારોમાં સટ્ટેબાજી,બિલ્ડરોને ધમકી અને ડ્રગ્સનો કારોબાર વધી ગયો છે.