મારા માટે દરેક માતા, બહેન 'શક્તિ'નું સ્વરૂપ, તેમના માટે જીવ આપી દઈશ : મોદી
- 'પરિવારવાદ' પછી હવે 'શક્તિ' મુદ્દે પીએમ મોદીના વિપક્ષ પર પ્રહાર
- આ ચૂંટણી શક્તિનો વિનાશ કરનારા અને પૂજા કરનારા વચ્ચે : દેશ 'અબ કી બાર, 400 પાર' માટે તૈયાર
જગતયાલ (તેલંગણા) : દરેક માતા અને બહેન મારા માટે શક્તિનું સ્વરૂપ છે. હું શક્તિ રૂપે તેમની પૂજા કરું છું અને હું આ શક્તિ સ્વરૂપ માતા-બહેનોના રક્ષણ માટે જીવ આપી દઈશ. આગામી ચૂંટણી આ 'શક્તિ'ની પૂજા કરનારા અને તેમનો નાશ કરનારા વચ્ચેની છે. આ મારા માટે સન્માનની વાત છે કે નારી શક્તિ મને આશીર્વાદ આપશે અને મને સમર્થન આપવા માટે તેઓ અહીં આવી છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તેલંગણામાં એક રેલીમાં જણાવ્યું હતું.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ અને પીએમ મોદી પર હુમલો કરતા કહ્યું હતું કે હિન્દુ ધર્મમાં એક શક્તિ હોય છે. અમારી લડાઈ એક શક્તિ વિરુદ્ધ છે. રાહુલ ગાંધીના આ નિવેદન પર પલટવાર કરતા મોદીએ કહ્યું કે, ગઈકાલે મુંબઈમાં ઈન્ડી એલાયન્સની રેલી હતી.
ચૂંટણી જાહેરાત થયા પછી ઈન્ડી અલાયન્સની આ પહેલી રેલી અને તેમના માટે સૌથી મહત્વપૂર્ણ રેલી હતી. આ રેલીમાં તેમણે પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યું અને તેમણએ જાહેરાત કરી કે મારી લડાઈ શક્તિ વિરુદ્ધ છે. એકબાજુ શક્તિનો વિનાશ કરનારા લોકો છે અને બીજી તરફ શક્તિની પૂજા કરનારા લોકો છે. એ બાબતનો મુકાબલો ૪ જૂને થઈ જશે કે કોણ શક્તિનો વિનાશ કરી શકે છે અને કોણ શક્તિનો આશીર્વાદ મેળવી શકે છે.
તેમણે ઉમેર્યું કે, રાષ્ટ્રએ ચંદ્રયાનની સફળતા 'શિવ શક્તિ'ને સમર્પિત કરી હતી અને વિપક્ષ 'શક્તિ'ના વિનાશની વાતો કરે છે. તેલંગણાના લોકો ૧૩ મેના રોજ ચૂંટણીમાં 'વિકસિત ભારત' માટે મતદાન કરશે અને કોંગ્રેસ તથા બીઆરએસનો સફાયો કરી નાંખશે. મતદાનનો દિવસ નજીક આવે છે તેમ તેલંગણામાં ભાજપનું મોજું ફરી રહ્યું છે. દેશના લોકો 'અબ કી બાર, ૪૦૦ પાર' માટે કૃતનિશ્ચયી છે.
પીએમ મોદીએ પરિવારવાદ અને ભ્રષ્ટાચાર મુદ્દે પણ વિપક્ષની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે પરિવારવાદીઓનો આખો ઈતિહાસ ઊઠાવીને જોઈ લો. દેશમાં જેટલા પણ મોટા કૌભાંડો થયા છે તેની પાછળ કોઈ ને કોઈ પરિવારવાદી પક્ષ જ મળશે. કૌભાંડોથી એકત્ર કરેલા રૂપિયાનો ઉપયોગ જુઠ્ઠાણાં અને સમાજના વિભાજન માટે કરવામાં આવે છે.