Get The App

ભારતના એવા ખાદ્ય પદાર્થો જે GI ટેગ બાદ થયા વિશ્વ પ્રસિદ્ધ, દાર્જિલિંગની ચા, ધારવાડના પેંડા જેવી વાનગીઓનો સમાવેશ

હિમાચલની કાંગડા ચાને યુરોપિયન યૂનિયન દ્વારા જીઆઈ ટેગ મળ્યું

બાસમતી ચોખાના GI ટેગ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે હજી પણ ખેંચતાણ ચાલુ છે

Updated: Apr 4th, 2023


Google NewsGoogle News
ભારતના એવા ખાદ્ય પદાર્થો જે GI ટેગ બાદ થયા વિશ્વ પ્રસિદ્ધ, દાર્જિલિંગની ચા, ધારવાડના પેંડા જેવી વાનગીઓનો સમાવેશ 1 - image


આપણા દેશમાં ઉત્પન્ન થતી વિવિધ પ્રજાતીના વનસ્પતીઓ, વિવિધ ઉત્પાદનો, ખાદ્ય પદાર્થો અને કળાના વિવિધ નમૂનાઓની વિદેશોમાં અઢળક માગ છે. વિદેશીઓ તેના વખાણ કરતા થકતા નથી. તેમાંય ભારતના કેટલાક ખાદ્ય પદાર્થો અને પીણા એવા છે જેણે દુનિયાભરના લોકોને ઘેલું લગાડેલું છે. ખાસ કરીને ભારતના એવા કેટલાક ખાદ્ય પદાર્થો છે જેને વિદેશોએ પણ GI ટેગ આપીને માન્યતાપ્રાપ્ત પદાર્થ જાહેર કર્યા છે. વિદેશોના GI ટેગ બાદ આ પદાર્થોના માનસન્માન અને માગમાં અધધ વધારો થયો છે. આવા જ એક સમાચાર તાજેતરમાં આવ્યા છે.

 બનારસના નવા 4 ઉપ્પાદનોને GI ટેગ મળ્યા 

આ વખતે GIના ક્ષેત્રમાં બનારસે પોતાનો એક્કો સ્થાપિત કર્યો છે. અહીંના 4 નવા ઉપ્પાદનોને GI ટેગ મળ્યો છે. આખી દુનિયા બનારસની લંગડા કેરી અને પાનનો સ્વાદ હવે ચાખશે. આ ઉત્પાદનોને આંતરરાષ્ટ્રી ઓળખ અપાવવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. ખાસ વાત એ છે કે અત્યાર સુધી કાશી ક્ષેત્રના કુલ 22 અને યુયીના 45 ઉત્પાદનોને GI ટેગ મળી ચૂક્યા છે. લંગડા કેરી GI રજીસ્ટ્રેશન નંબર 716 હેઠળ, બનારસી પાન 730 હેઠળ નોંધાયેલ છે. ત્યારે આ યાદીમાં રામનગરના ભૂટ્ટા (રિંગણ) અને આદમચીની ચોખાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

યુરોપિયન યુનિયન દ્વારા ભારતની કાંડગા ચાને GI ટેગ આપવામાં આવ્યો

યુરોપિયન યુનિયન દ્વારા ભારતના હિમાચલ પ્રદેશમાં ઉગતી અને ચારેતરફ વખણાંતી કાંડગા ચાને GI ટેગ આપવામાં આવ્યો છે. 1990થી હિમાચલમાં ઉગતા આ ચાનું ઘેલું દુનિયાભરના લોકોને લાગેલું છે. શરૂઆતના વર્ષોમાં આ ચાના ઉત્પાદન અને વિતરણ ઉપર ઘણું ધ્યાન આપવામાં આવતું હતું. 1999માં તો આ ચાનું 17 લાખ કિલો કરતા વધું ઉત્પાદન થયું હતું. છેલ્લાં કેટલાક વર્ષોમાં આ તરફ સ્થાનિક તંત્રની ઉદાસીના કારણે તેનું ઉત્પાદન 10 લાખ કિલો સુધી આવી ગયું છે. યુરોપિયન યુનિયન દ્વારા હવે આ ચાને માન્યતા આપવામાં આવ્યા બાદ યુરોપમાં ચાની ડિમાન્ડ વધશે અને ઉત્પાદન પણ વધશે તેવી લોકોને આશા છે. લોકોના આશાવાદ વચ્ચે ભારતની એવી વાનગીઓ અને ખાદ્ય પદાર્થો ઉપર નજર કરીએ જે GI ટેગ મળવાના કારણે દેશ-વિદેશમાં અત્યંત ઝડપથી અને સર્વોત્તમ ખ્યાતી પ્રાપ્ત કરી શક્યા છે.

શું છે GI ટેગ?

GI ટેગ એટલે કે જીયોગ્રાફિકલ ઈન્ડિકેશન. કોઈ ચોક્કસ વિસ્તારમાં થતી ખેતી, કુદરતી અથવા તો કુદરતી સંસાધનોની મદદથી થતા ઉત્પાદનો, હસ્તશિલ્પ, ઔદ્યોગિક વસ્તુઓ, વિશેષ કળા વગેરેને જે-તે વિસ્તારને ધ્યાનમાં રાખીને વિશેષ ટેગ આપવામાં આવે છે. આ ટેગ દ્વારા જે-તે વસ્તુ અથવા ઉત્પાદન કે કળાને ભૌગોલિક અધિકારો મળે છે. આ ટેગ ધરાવતી વસ્તુઓનો બીજી જગ્યાએ ઉત્પાદન કે ઉછેર કરવા માટે કાયદેસર મંજૂરી લેવી પડે છે.

કાંગડા ચા

કાંગડા ચાને યુરોપિયન યૂનિયન દ્વારા GI ટેગ આપવામાં આવ્યા બાદ તેની ચારેકોર ચર્ચા છે. મહત્ત્વની વાત એવી છે કે, આ ચા ઘણા વખતથી ચર્ચામાં જ છે. કાંગડા ચા બે પ્રકારની હોય છે. એક લીલી ચા અને બીજી દાણાવાળી ચા. તેમાં કાળા દાણાવાળી ચા સ્વાદમાં થોડી ગળી હોય છે જ્યારે લીલી ચા સુગંધિત લાકડાં જેવી હોય છે. આ ચા શરૂઆતમાં લોકોને ખૂબ પસંદ પડી હતી પણ છેલ્લાં એકાદ દાયકાથી તેનું ઉત્પાદન ઘટ્યું હતું. ત્રણ વર્ષ પહેલાં કોરોનાકાળમાં આ ચા ખૂબ જ ચર્ચામાં ડિમાન્ડમાં આવી ગઈ હતી. કેટલાક એક્સપર્ટનું કહેવું હતું કે, કાંગડા ચા પીવાના કારણે શરીર કોરોનાના વાઈરસ સામે લડવામાં સક્ષમ થતું હતું. તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધતી હતી. તે સમયે હિમાલય જૈવસંપદા પ્રોદ્યોગિકી સંસ્થાનના એક સેમિનારમાં આ મુદ્દે ઘણી ડિબેટ થઈ હતી. જાણકારો નક્કર તારણ ઉપર તો ઉતરી શક્યા નહોતા પણ તેના કારણે ચાની ડિમાન્ડ વધી ગઈ છે. લોકો એવું પણ માને છે કે, વાઈરસ સામે લડવાની શક્તિ આપતી હોવાની વાતને કારણે પણ આ ચા યુરોપમાં વધારે પસંદગી પામી હોવી જોઈએ.

ભારતના એવા ખાદ્ય પદાર્થો જે GI ટેગ બાદ થયા વિશ્વ પ્રસિદ્ધ, દાર્જિલિંગની ચા, ધારવાડના પેંડા જેવી વાનગીઓનો સમાવેશ 2 - image

દાર્જિલિંગ ચા

દાર્જિલિંગ ચા, એક એવી ચા છે જેણે સમગ્ર વિશ્વને ઘેલું લગાડેલું છે. તેને દુનિયાના લોકો શેમ્પેન ઓફ ટી પણ કહે છે. તેને ઓક્ટોબર 2004માં જીઆઈ ટેગ મળ્યું હતું. તેની અનોખી સુગંધ અને સ્વાદ લોકોને તેના રસિયા બનાવે છે. જાણકારોના મતે અંદાજે 1800ની સદીની શરૂઆતમાં ચીની અને ભારતીય પ્રજાતીના મિશ્રણથી તૈયાર કરાયેલા આ છોડની વાવણી દાર્જિલિંગ નામના ક્ષેત્રમાં શરૂ કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ ખાતે 87 જેટલા વિશિષ્ટ બગીચાઓમાં તેનું ઉત્પાદન થાય છે. દર વર્ષે 1 કરોડ કિલો ચાનું ઉત્પાદન થાય છે. ઘણા લોકો હવે તો ટી ટૂરિઝમ માટે આ વિસ્તારમાં આવવા લાગ્યા છે.

ભારતના એવા ખાદ્ય પદાર્થો જે GI ટેગ બાદ થયા વિશ્વ પ્રસિદ્ધ, દાર્જિલિંગની ચા, ધારવાડના પેંડા જેવી વાનગીઓનો સમાવેશ 3 - image

રતલામી સેવ

રતલામી સેવ, ભારતમાં સૌથી લોકપ્રિય નાસ્તા અને નમકીનમાં સ્થાન ધરાવે છે. બેસન, હિંગ, મરી, લવિંગ અને અન્ય મસાલાથી તૈયાર થતી આ તળેલી સેવનો ઉદભવ મધ્યપ્રદેશના રતલામ ક્ષેત્રમાં થયો હતો. કહેવાય છે કે, અકસ્માતે આ સેવનો ઉદભવ થયો હતો. એક વખત મુઘલ શાસક આ વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે તેમને સેવૈયા ખાવી ઈચ્છા થઈ. તે સમયે રતલામમાં ઘઉં ઉપલબ્ધ નહોતા. તે વખતે સ્થાનિક આદિવાસી ભીલો દ્વારા તેમના માટે ચણાના લોટમાંથી સેવ બનાવવામાં આવી હતી. ભીલ દ્વારા બનાવવામાં આવેલી આ તિખી સેવ તે વખતે મુઘલ શાસકને પસંદ પડી હતી. ત્યારબાદના શાસકોને પણ ખૂબ પસંદ પડી હતી. તેને તે સમયે ભીલડી સેવ પણ કહેતા હતા. સમયાંતરે વ્યાવસાયિક રીતે આ સેવનું ઉત્પાદન શરૂ થવા લાગ્યું હતું. સમયાંતરે તેનું ઉત્પાદન વધ્યું અને સાથે સાથે રતલામમાં ઘણી બધી જગ્યાએ તેનું ઉત્પાદન વધવાના કારણે તેનું નામ રતલામી સેવ પણ થઈ ગયું. વર્ષ 2014-15માં આ સેવને જીઆઈ ટેગ મળ્યું. ત્યારબાદ તે ભારતની સાથે સાથે સમગ્ર વિશ્વમાં નવી જ ઓળખ મેળવતી થઈ ગઈ.

ભારતના એવા ખાદ્ય પદાર્થો જે GI ટેગ બાદ થયા વિશ્વ પ્રસિદ્ધ, દાર્જિલિંગની ચા, ધારવાડના પેંડા જેવી વાનગીઓનો સમાવેશ 4 - image

બિકાનેરી ભુજિયા

બિકાનેરી ભુજિયા પણ જે આજના સમયમાં નાસ્તા અને નમકીનનું મહત્ત્વનું અંગ ગણાય છે તે પણ રજવાડી ઈતિહાસ ધરાવે છે. આ સેવ અથવા તો ભુજિયા સેવ તેના નામના આધારે સમજાય છે કે, રાજસ્થાનના બિકાનેર સાથે સંબંધ ધરાવે છે. 1482માં રાજા રાવ બીકાએ આ શહેર વસાવ્યું હતું અને તેમના વંશજ રાજા ડુંગર દ્વારા 1877માં પહેલી વખત બિકાનેરી ભુજિયાનું નિર્માણ કરવામાં આવ્યું. ધીમે ધીમે લોકોને તેનો સ્વાદ લોકોને એટલો પસંદ પડ્યો કે તે દેશભરમાં જાણીતી થઈ ગઈ. 2010માં બિકાનેરી ભુજિયાને જીઆઈ ટેગ મળ્યું. ત્યાદબાદ વિશ્વભરમાં આ ભુજિયાની બોલબાલા વધી ગઈ છે.

ભારતના એવા ખાદ્ય પદાર્થો જે GI ટેગ બાદ થયા વિશ્વ પ્રસિદ્ધ, દાર્જિલિંગની ચા, ધારવાડના પેંડા જેવી વાનગીઓનો સમાવેશ 5 - image

ધારવાડ પેંડા

સમગ્ર વિશ્વ કોરોના મહામારીની ઝપેટમાં હતું અને હજી તેના ઓછાયા હેઠળ જીવી રહ્યું છે. આવી જ એક મહામારી 18મી સદીના ઉત્તરાર્ધ અને 19મી સદીના પૂર્વાર્ધમાં આવી હતી જેને પગલે ધારવાડ પેંડાનો જન્મ થયો હતો. દૂધ અને ખાંડમાંથી બનતી આ મિઠાઈ 175 વર્ષ જૂનો ઈતિહાસ ધરાવે છે. તે સમયે પ્લેગની મહામારી ફેલાઈ હતી જેને પગલે ઉત્તર પ્રદેશના ઉન્નાવનો ઠાકુર પરિવાર દક્ષિણ ભારત ખાતે પલાયન કરી ગયો હતો. શરૂઆતમાં પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે રામ રતનસિંહ ઠાકુર દ્વારા અહીંયા પેંડા બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. ધીમે ધીમે તેમણે વધારે પેંડા બનાવીને પોતાના સંતાનો અને પૌત્રોની મદદથી આસપાસના વિસ્તારોમાં વેચવાનું શરૂ કર્યું. લોકોમાં આ પેંડા છવાઈ ગયા અને માગ સતત વધવા લાગી. આ પેંડા લેવા લાંબી લાંબી લાઈનો લાગવા માંડી છે. 2007માં તેને જીઆઈ ટેગ મળ્યું હતું. ધારવાડ પેંડા કે બાબા ઠાકુર પેંડાના નામે ઓળખાતા આ પેંડા હાલમાં વિદેશોમાં પણ ખૂબ જ ડિમાન્ડમાં છે.

ભારતના એવા ખાદ્ય પદાર્થો જે GI ટેગ બાદ થયા વિશ્વ પ્રસિદ્ધ, દાર્જિલિંગની ચા, ધારવાડના પેંડા જેવી વાનગીઓનો સમાવેશ 6 - image

સિલાવ ખાજા

બિહારના રાજગીર અને નાલંદાની વચ્ચે સિલાવ નામની એક જગ્યાએ બનતા આ ખાજા ખૂબ જ લોકપ્રિય વ્યંજન છે. સિલાવમાં બનતા હોવાના કારણે જ તેને સિલાવ ખાજા કહે છે. 52 જેટલા લેયરમાં બનતા આ ખાજા સ્વાદમાં ગળ્યા અને નમકીન હોય છે. આ ખાજા ક્યારથી બને ચે અને કોણે તેની શરૂઆત કરી હતી તેના વિશે યોગ્ય જાણકારી નથી પણ બે-ત્રણ સદીથી તે બની રહ્યા છે અને ખવાઈ રહ્યા છે. 1870ની આસપાસ તેનો ઉલ્લેખ આવે છે. ઘણા કહે છે કે રાજા વિક્રમાદિત્યના સમયથી તેની ડિમાન્ડ છે. કેટલાક લોકો કહે છે કે, ભગવાન બુદ્ધ જ્યારે ભારત ભ્રમણ કરતા હતા ત્યારે આ સ્થળે આવ્યા હતા અને સ્થાનિકોએ તેમને તથા તેમના શિષ્યોને આ મિઠાઈ ભોજનમાં આપી હતી. 2018માં જ આ ખાજાને જીઆઈ ટેગ મળ્યું છે. ધીમે ધીમે યુરોપના દેશોમાં તેની ડિમાન્ડ વધી છે અને વિશ્વમાં રહેતા ભારતીયો પણ આ વ્યંજન વાર-તહેવારે મંગાવી રહ્યા છે.   

ભારતના એવા ખાદ્ય પદાર્થો જે GI ટેગ બાદ થયા વિશ્વ પ્રસિદ્ધ, દાર્જિલિંગની ચા, ધારવાડના પેંડા જેવી વાનગીઓનો સમાવેશ 7 - image

મિહીદાના અથવા સીતાભોગ

પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લા સાથે સંબંધ ધરાવતી આ બંને મિઠાઈ સાથે જ ખાવામાં આવે છે. આ બંને મિઠાઈ બને છે અલગ અલગ પણ તેને ખાવામાં સાથે રાખવામાં આવે છે. મિહિદાના એટલે કે બારિક દાણા. બુંદિ કરતા પણ નાના આકાર ધરાવતી આ મિઠાઈને બુંદિની બહેન પણ કહેવામાં આવે છે. કામિનિભોગ અને ગોબિંદભોગ ચોખાનો લોટ, બેસન અને કેસર વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. સીતાભોગ સફેદ હોય છે. 2017માં આ બંનેને જીઆઈ ટેગ મળ્યું હતું. 1904માં લોર્ડ કર્ઝન વર્ધમાન આવ્યા હતા. તત્કાલિન જમીનદારે પોતાના કારીગર ભૈરવચંદ નાગને લોર્ડ કર્ઝન માટે કંઈક વિશેષ બનાવવાનું કહ્યું હતું. તેમણે બુંદી માટે ભુલથી ઝીણી ચારણીનો ઉપયોગ કરી દેતા મિહિદાનાનો જન્મ થયો હતો. તે વખતે સીતાભોગ પણ બનાવાયો અને બંનેને સાથે રાખીને લોર્ડ કર્ઝનને પીરસવામાં આવ્યા હતા. તેઓ આ બંને મિઠાઈથી ખૂબ જ ખુશ થયા હતા.

ભારતના એવા ખાદ્ય પદાર્થો જે GI ટેગ બાદ થયા વિશ્વ પ્રસિદ્ધ, દાર્જિલિંગની ચા, ધારવાડના પેંડા જેવી વાનગીઓનો સમાવેશ 8 - image

કોવિલપટ્ટી કડલાઈ મિઠાઈ

તમિલનાડુની જાણીતી કોવિલપટ્ટી કડલઈ મિઠાઈને વર્ષ 2020માં જ જીઆઈ ટેગ મળ્યું છે. આ મિઠાઈ થૂથૂકુડી જિલ્લાના કોવિલપટ્ટી અને તેની આસપાસના ગામડાંમાં 1940થી બને છે. આપણે જેને ચિકી કહીએ છીએ તેવી જ આ મિઠાઈ છે. ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ ચરમસીમાએ ચાલતો હતો તે સમયે તેને બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 1940માં કરિયાણાની દુકાન ચલાવનારા પોનામ્બલા નાદર દ્વારા આ મિઠાઈ બનાવવામાં આવી હતી. તેમણે ગોળને ગરમ કરીને તેમાં સિંગના દાણા નાખીને મિઠાઈ બનાવી હતી. ભારતના વિવિધ રાજ્યોમાં આ મિઠાઈ વિવિધ નામે બને છે પણ માત્ર તમિલનાડુને તેનો જીઆઈ ટેગ મળેલો છે. આ વિસ્તારમાં મળતો ઓર્ગેનિક ગોળ, અરુપ્પુકોટ્ટૈની કાળી માટીમાં ઉગતી મગફળીની સિંગ અને તામ્રપર્ણી નદીના પાણીને કારણે આ મિઠાઈ વિશેષતા ધરાવે છે અને વિદેશોમાં પણ તેની ડિમાન્ડ છે. ભારતમાં પણ લોકો આ વિશેષ મિઠાઈને પસંદ કરી રહ્યા છે.

ભારતના એવા ખાદ્ય પદાર્થો જે GI ટેગ બાદ થયા વિશ્વ પ્રસિદ્ધ, દાર્જિલિંગની ચા, ધારવાડના પેંડા જેવી વાનગીઓનો સમાવેશ 9 - image

તિરુપતિ લાડુ

ભારતના સૌથી ધનિક મંદિર ગણાતા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ કે તિરુપતિ મંદિરમાં ભગવાનના પ્રસાદ તરીકે મળતા લાડુ વિશ્વ પ્રસિદ્ધ છે. આ લાડુનો પ્રસાદ લેવા માટે પણ લોકોને કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે. તેને ચણાનો લોટ, માખણ, ખાંડ, કાજુ, કિશમિશ અને ઈલાયચી નાખીને બનાવવામાં આવે છે. આ લાડુ 300 વર્ષથી પણ જૂના પરંપરા ધરાવે છે. કહેવાય છે કે, મંદિરના કેટલાક રસોઈયાઓને જ આ લાડુ બનાવવાની કળા આવડે છે. મંદિરના ગુપ્ત રસોઈઘરમાં આ લાડુ તૈયાર કરવામાં આવે છે. 2009માં આ લાડુને જીઆઈ ટેગ આપવામાં આવ્યા બાદ વિદેશોમાં આ લાડુની માગ ખૂબ જ વધી ગઈ છે. ભારતીયોની સાથે સાથે વિદેશીઓ પણ આ લાડુનો સ્વાદ પસંદ કરી રહ્યા છે.

ભારતના એવા ખાદ્ય પદાર્થો જે GI ટેગ બાદ થયા વિશ્વ પ્રસિદ્ધ, દાર્જિલિંગની ચા, ધારવાડના પેંડા જેવી વાનગીઓનો સમાવેશ 10 - image

હૈદરાબાદી હલીમ

સામાન્ય રીતે રમજાનના મહિનામાં બનનારી આ વાનગી હૈદરાબાદી હલીમ ભારતમાં ખૂબ જ જાણીતું વ્યંજન છે. મોટાભાગે રોજા બાદ ઈફતારીમાં તેનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. ઘઉં, મીટ, ઘી, મસાલા અને અન્ય સામગ્રીઓની મદદથી તૈયાર થતું આ હલીમ દરેક રસોઈયા તૈયાર કરી શકતા નથી.   મોટાભાગે અહીંયા કેટલાક પરિવારો છે જે પરંપરાગત રીતે હલીમ બનાવવાનું જ કામ કરે છે. તેમની પાસે વિશેષ આવડત છે. ધીમા તાપે 12 કલાક સુધી આ રંધાયા બાદ હલીમ તૈયાર થાય છે. તાંબાના વાસણમાં ભટ્ઠી ઉપર આ હલીમ તૈયાર થાય છે. 2010માં આ હલીમને જીઆઈ ટેગ મળ્યો હતો. ત્યારબાદ તેની ખ્યાતે ચારેકોર ફેલાઈ હતી. નોનવેજ ફૂડના રસિકો અને ચાહકો દેશ-વિદેશમાંથી રમજાન મહિનામાં હૈદારબાદની મુલાકાત લે છે અને આ હલીમની લહેજત માણે છે.

ભારતના એવા ખાદ્ય પદાર્થો જે GI ટેગ બાદ થયા વિશ્વ પ્રસિદ્ધ, દાર્જિલિંગની ચા, ધારવાડના પેંડા જેવી વાનગીઓનો સમાવેશ 11 - image

બંદાર લાડુ

આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાના મછલિપટ્ટમના બંદારના લાડુ સમગ્ર વિશ્વમાં જાણીતા છે. અહીંયા 250 જેટલા પરિવારો આ લાડુ બનાવવાનો વ્યવસાય કરે છે. તેમાં પણ બંગાળી બેસન, ગોળની ચાસણી અને ઘીનો ઉપયોગ કરીને લાડુ બનાવાય છે. અંદાજે 150 વર્ષથી વધુ જૂની પરંપરા આ લાડુ બનાવવા સાથે સંકળાયેલી છે. 1857માં રાજસ્થાનના રાજપૂત મછલીપટનમ્ આવ્યા હતા ત્યારે સ્થાનિક લોકોએ તેમને લાડુ ખવડાવ્યા હતા. ત્યારબાદ તેમની સાથે આવેલા લોકોને લાડુ બનાવવાનું પણ શિખવ્યું હતું. 2017માં આ લાડુને જીઆઈ ટેગ મળ્યો હતો.

ભારતના એવા ખાદ્ય પદાર્થો જે GI ટેગ બાદ થયા વિશ્વ પ્રસિદ્ધ, દાર્જિલિંગની ચા, ધારવાડના પેંડા જેવી વાનગીઓનો સમાવેશ 12 - image


Google NewsGoogle News