દિલ્હીમાં ફોગ હૉલ સર્જાતા લોકોને મળી ગાઢ ધુમ્મસથી રાહત, જાણો શું છે આ સ્થિતિ
શિયાળામાં હવામાનમાં એક અલગ પ્રકારનું વર્તન જોવા મળે છે
Delhi Fog Updates : દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગઈકાલ સાંજથી રાત સુધી ગાઢ ધુમ્મસ હતી પરંતુ મધ્યરાત્રી બાદ હવામાન પલટો આવ્યો હતો અને ઘુમ્મસ દૂર થઈ ગઈ હતી. હવમાન વિભાગે કેટલીક તસવીરો જાહેર કરી હતી જેમાં ઉત્તર ભારતમાં ધુમ્મસની સફેદ ચાદર પથરાયેલી હતી, પણ દિલ્હીમાં એવું તો શું બન્યું કે મધરાત બાદ ધુમ્મસની અસર ઓછી થઈ ગઈ હતી.
સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાયેલી જોવા મળી હતી
વૈજ્ઞાનિકોના મતે સામાન્ય રીતે શહેરોમાં તાપમાનમાં જેવો જ વધારો થાય કે ધુમ્મસ ઝડપથી સાફ થઈ જાય છે. સામાન્ય રીતે ધુમ્મસ એટલા માટે થાય છે કારણકે શિયાળામાં હવામાનમાં એક અલગ પ્રકારનું વર્તન જોવા મળે છે જેને ટેમ્પરેચર ઈન્વર્ઝન (temperature inversion) કહેવામાં આવે છે, જેમાં જમીનની સપાટીનું તાપમાન ઘટે છે અને ઉપર વાતાવરણનું તાપમાન વધારે હોય છે જે સામાન્યથી ઉલ્ટું હોય છે. એવામાં ધુમ્મસ ત્યારે જ સાફ થાય છે જ્યારે જમીનનું તાપમાન વધારે થઈ જાય અથવા સૂર્યની ગરમીથી ધુમ્મસમાં રહેલું પાણી કાં તો જમીન પર સ્થિર થઈ જાય અથવા તે વરાળમાં પરિવર્તિત થઈ જાય.
દિલ્હીમાં અચાનક ધુમ્મસ કેવી રીતે સાફ થઈ?
દિલ્હીમાં મધરાત બાદ પહેલા તો પવનની ગતિ વધી, બીજું શહેરીકરણને કારણે જમીનનું તાપમાન પણ વધી ગયું. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ઘણા રસ્તાઓ અને બિલ્ડિંગ છે જે ઝડપથી ગરમ થઈને ગરમી છોડવાનું શરુ કરે છે જેને રેડિયેશન કહેવામાં આવે છે. આ જ કારણ છે કે દિલ્હીમાં ઉનાળામાં તાપમાન આસપાસના વિસ્તારો કરતા વધારે હોય છે અને હવામાનના આ વર્તનને હીટ આઈલેન્ડ ઈફેક્ટ (heat island effect) પણ કહેવામાં આવે છે. ઉનાળામાં જ્યાં હવામાનમાં આ પ્રકારના ફેરફારથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો શિયાળામાં ગાઢ ધુમ્મસથી રાહત આપે છે.
દિલ્હી સિવાય સમગ્ર ઉત્તર ભારતમાં ધુમ્મસ
સમગ્ર ઉત્તર ભારતના નકશા પર નજર કરતા સ્પષ્ટ પણે જમ્મુ અને કાશ્મીરથી લઈને પૂર્વ ઉત્તર પ્રદેશ સુધી ગાઢ ધુમ્મસની ચાદર પથરાયેલી જોવા મળે છે, જો કે દિલ્હીના એક વિસ્તારમાં કાળા રંગનો હોલ (બ્લેક હોલ) દેખાયો છે, જેને હવામાન વૈજ્ઞાનિકો (weather scientists)ની ભાષામાં ફોગ હૉલ (fog hole) કહેવામાં આવે છે.
ફોગ હોલ શું છે?
ફોગ હૉલ એ ખુબ જ મોટા વિસ્તારમાં ફેલાયેલી ધુમ્મસની સફેદ ચાદરમાં એક નાનું છિદ્ર છે, જે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ખૂબ નાનું હોય છે. આવું સામાન્ય રીતે કેટલાક સ્થાનિક હવામાન પરિબળને કારણે થાય છે. આવા પરિબળ નાના વિસ્તારમાં સપાટીના તાપમાનમાં વધારો કરે છે. સામાન્ય રીતે આ માત્ર શહેરી વિસ્તારોમાં જ જોવા મળે છે.