તેજસ્વીના તેજીલા ચુંટણી પ્રચારનો ફિયાસ્કો, બિહારમાં જેડીયુ,બીજેપીનો જય જયકાર
લાલુપ્રસાદની આરજેડી નીતિશકુમારની જેડીયુને માત આપી શકી નહી
બિહારે જેડીયુ અને બીજેપી ગઠબંધનની ફરી લાજ રાખી છે
પટણા,4 જુન,2024,મંગળવાર
બિહારની લોકસભાની ૪૦ બેઠકોમાંથી ૩૩ બેઠકો પર ભાજપ અને જેડીયુ અને સહયોગી પક્ષોનો ઉમેદવારોને સફળતા મળી હતી જયારે કોંગ્રેસ અને લાલુપ્રસાદની આરજેડીના ઇન્ડિયા ગઠબંધનને ૭ બેઠકો પર સરસાઇ મળી હતી. ગત ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં ભાજપ જેડીયુ તથા સહયોગીઓને ૪૦માંથી ૪૦ બેઠકો મળી હતી જયારે લાલુપ્રસાદની આરજેડીને એક પણ બેઠક મળી ન હતી.
બિહારમાં આરજેડીની બાગડોર સંભાળી રહેલા લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે બિહારમાં જે રીતે ઝંઝાવતી તેજ ચુંટણી પ્રચાર શરુ કર્યો હતો તે જોતા ઇન્ડિયા ગઠબંધન બહેતર પ્રદર્શન કરશે એવું માનવામાં આવતું હતું પરંતુ ધારી સફળતા મળી નહી. નિતિશકુમારે વારંવાર પક્ષ પલટો કરીને એનડીએ સાથે આવન જાવનનો ખેલ પાડયો તે જોતા મતદારો નારાજ હોય તેવું માનવામાં આવતું હતું પરંતુ ચુંટણી પરિણામો જોતા બિહારે જેડીયુ અને બીજેપી ગઠબંધનની ફરી લાજ રાખી છે. નિતિશની જેડીયુને ૧૨, ચિરાગ પાસવાનની લોકજનશકિત ૫ અને ભાજપ ૧૨ બેઠકો પર સરસાઇ મળી છે.