ઝારખંડમાં ચંપઈ સરકારે વિશ્વાસ મત જીત્યો, પક્ષમાં 47 મત અને વિરોધમાં 29 મત પડ્યા
ઝારખંડ વિધાનસભામાં 81 સભ્ય છે, જેમાં ઝામુમો, કોંગ્રેસ અને રાજદના ગઠબંધનના 47 ધારાસભ્ય છે
Jharkhand Floor Test : ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા(JMM)ની આગેવાનીની ચંપઈ સોરેન સરકારે અગ્નિ પરીક્ષા પાસ કરી છે. નવા મુખ્યમંત્રી ચંપઈ સોરેને વિશ્વાસ મત હાંસલ કરી લીધો છે. મહત્ત્વનું છે કે, ફ્લોર ટેસ્ટમાં ભાગ લેવા પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન અને ઝારખંડ મુક્તિ મોરચા (ઝામુમો)ના નેતૃત્વવાળા સત્તાધારી ગઠબંધનના તમામ ધારાસભ્ય વિધાનસભા હાજર રહ્યાં.
ફ્લોર ટેસ્ટમાં ચંપઈ સોરેનની સરકાર પાસ
ઝારખંડમાં ચંપઈ સરકારે વિશ્વાસ મત જીત્યો છે. ઝારખંડ વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પાસ થયો છે. વિશ્વાસ મતના પક્ષમાં 47 મત પડ્યા અને વિરોધમાં 29 મત પડ્યા છે.
31 જાન્યુઆરીનો કાળો દિવસ લોકશાહીમાં જુદી રીતે જોડાયો : હેમંત સોરેન
ઝારખંડની ચંપઈ સોરેન સરકારના ફ્લોર ટેસ્ટમાં પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું કે, '31 જાન્યુઆરીનો કાળો દિવસ દેશની લોકશાહીમાં જુદી રીતે જોડાયો. હું જાણું છું ત્યાં સુધી એ દિવસે દેશમાં પહેલીવાર કોઈ મુખ્યમંત્રીની ધરપકડ થઈ. મને લાગે છે કે, આ ઘટનાને અંજામ આપવા માટે ક્યાંક ને ક્યાંક રાજભવન પણ સામેલ છે. જે રીતે આ બધું થયું, તે જાણીને હું આશ્ચર્યચકિત છું.'
અમે હજી હાર માની નથી : હેમંત સોરેન
ઝારખંડના પૂર્વ સીએમ અને જેએમએમના નેતા હેમંત સોરેને કહ્યું, 'અમે હજુ હાર નથી માની. જો તેઓને લાગે છે કે મને જેલના સળિયા પાછળ ધકેલીને સફળ થશે, તો આ ઝારખંડ છે, જ્યાં દરેક ખૂણે આદિવાસી-દલિત વર્ગના અસંખ્ય સૈનિકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. આજે મારી 8.5 એકર જમીન કૌભાંડના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે, જો તેમનામાં હિંમત હોય તો મારા નામે નોંધાયેલ જમીનના દસ્તાવેજો બતાવો, જો આ સાબિત થશે તો હું રાજકારણમાંથી રાજીનામું આપી દઈશ.'
ઝારખંડ વિધાનસભામાં 81 સભ્ય
ઝારખંડ વિધાનસભામાં 81 સભ્ય છે, જેમાં ઝામુમો, કોંગ્રેસ અને રાજદના ગઠબંધનના 47 ધારાસભ્ય છે. આ ગઠબંધનને સીપીઆઈએમએલ (એલ) ના એક ધારાસભ્યનું બહારથી સમર્થન છે. ઝામુમો અને ગઠબંધનના ધારાસભ્યો રવિવારે સાંજે જ હૈદરાબાદથી વિશેષ વિમાનમાં રાંચી પહોંચી ગયા હતા. આ તમામ ધારાસભ્યો વિધાનસભામાં વિશ્વાસ મત હાંસલ કરવા પ્રતિબદ્ધતા દાખવી ચૂક્યા હતા.