VIDEO: દક્ષિણ ભારતમાં વરસાદ-પૂરનો કહેર; રેલવે સેવા ઠપ, ભૂસ્ખલનમાં 7 મોત, 20 રાજ્યોમાં એલર્ટ
Heavy Rains In South India : દેશભરમાં સારો એવો વરસાદ ખાબક્યો છે, ત્યારે ગુજરાત સહિત કેટલાક રાજ્યમાં ભારે વરસાદને કારણે જનજીનવ ખોરવાઈ ગયું છે. આ દરમિયાન નદી-નાળામાં પાણીની આવક વધતા અમુક વિસ્તારોમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે, જ્યારે દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશમાં અતિભારે વરસાદને લઈને બુડામેરુ વાગુ નદીમાં પાણીનું સ્તર વધવાથી વિજયવાડાના વિવિધ ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં આંધ્રપ્રદેશના પાંચ જિલ્લાના 294 ગામડાઓમાંથી 13227 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વરસાદને લઈને 20થી વધુ ટ્રેનો રદ અને 30થી વધુ ડાઈવર્ટ કરવામાં આવી છે. આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન થવાથી સાત લોકોના મોત થયા છે.
આ પણ વાંચો : ગુજરાત સહિત દસ રાજ્યમાં બીજીથી સાતમી સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
આંધ્રપ્રદેશમાં ધોધમાર વરસાદ, 20થી વધુ ટ્રેનો રદ
ઉત્તર પશ્ચિથી લઈને મધ્ય અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં ખાબકી રહેલા ભારેથી અતિભારે વરસાદને લઈને જનજીવન ખોરવાઈ ગયું છે. જ્યારે રાજસ્થાન અને ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં નદીઓએ વિકરાળ રૂપ ધારણ કર્યું હોય તેવું લાગે છે. આમ દેશભરમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ વચ્ચે દક્ષિણ ભારતના રાજ્ય આંધ્રપ્રદેશમાં ભારે વરસાદને કારણે બુડામેરુ વાગુ નદીમાં પાણીનું સ્તર વધવાથી વિજયવાડાના વિવિધ ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં આંધ્રપ્રદેશના પાંચ જિલ્લાના 294 ગામડાઓમાંથી 13227 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે તેલંગાણામાં સોમવારે તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વરસાદને 20થી વધુ ટ્રેનો રદ અને 30થી વધુ ડાઈવર્ટ કરવામાં આવી છે.
અમિત શાહે આંધ્રપ્રેદશ અને તેલંગાણાના મુખ્યમંત્રી સાથે વાત કરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આંધ્રપ્રેદશ અને તેલંગાણાના મુખ્યમંત્રી સાથે વાત કરીને બંને રાજ્યોમાં પૂરની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. તેમણે આ રાજ્યોને તમામ શક્ય કેન્દ્રીય સહાયની ખાતરી પણ આપી હતી.
ગૃહમંત્રી વાંગલાપુડી અનિતાએ જાણકારી આપી
ચંદ્રબાબુ નાયડુએ અધિકારીઓ સાથે બેઠક કરીને રાજ્યની હાલતની સમીક્ષા કરી છે, ત્યારે ગૃહમંત્રી વાંગલાપુડી અનિતાએ જણાવ્યું હતું કે, 'એનટીઆર, કૃષ્ણા, બાપટલા, ગુંટુર અને પલાનાડુ જિલ્લામાં પાણી ભરાયેલા વિસ્તારોમાંથી બહાર કાઢવામાં આવેલા લોકો માટે 100 પુનર્વસન કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. આ સાથે 61 મેડિકલ કેમ્પ લગાવવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયા છે. પોલીસ, NDRF અને SDRFની ટીમ દ્વારા પૂરગ્રસ્ત સ્થળોથી 600 લોકોને બચાવ્યા છે. જ્યારે NDRF અને SDRFની 17 ટીમોએ સાત જિલ્લાઓમાં 22 ડૂબી ગયેલા સ્થળોએ બચાવ કામગીરી હાથ ધરી હતી.' રાજ્યના માનવ સંસાધન મંત્રી નારા લોકેશે કહ્યું કે, 'અમે સંકટને ટાળ્યું છે.'
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ શું કહ્યું?
નિરીક્ષણ બાદ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે, 'બુડામેરુ નહેરનું પાણી વિસ્તારમાં ફેલાયું હોવાથી મોટી સમસ્યા સર્જાઈ છે. હજારો લોકો તેમના ઘરો અને છત પર ફસાયેલા છે. હું દર કલાકે પરિસ્થિતિ પર નજર રાખું છું. આ દરમિયાન તેમણે ગત સરકાર પર નિશાનો તાકીને કહ્યું કે, આ આપત્તિ કુદરતી કારણો અને બુડામેરુ નહેરની અગાઉની સરકારની ઉપેક્ષાનું પરિણામ છે.'
દક્ષિણ મધ્ય રેલવેએ 20 ટ્રેનો રદ કરી
તેલંગાણામાં સમુદ્રમ અને મહબૂબાબાદ વચ્ચે રેલવે ટ્રેક ધોવાઈ ગયો છે. જેના કારણે દિલ્હી-વિજયવાડા રૂટ પર તમામ ટ્રેનોને રોકી દેવામાં આવી છે. જ્યારે 6 ટ્રેનો રદ કરવામાં આવી હતી અને 9 આંધ્ર-તેલંગાણા વચ્ચે ડાયવર્ટ કરવામાં આવી હતી. આ દરમિયાન દક્ષિણ મધ્ય રેલવેએ રવિવારે (01 સપ્ટેમ્બરે) કુલ 20 ટ્રેનો રદ કરી હતી અને 30 ટ્રેનોને ડાયવર્ટ કરી હતી. જેમાં રૂટ બદલવામાં આવેલી ટ્રોનોમાં દાનાપુર-બેંગ્લોર, નિઝામુદ્દીન-કન્યાકુમારી, સીએસટી મુંબઈ-ભુવનેશ્વર અને તાંબરમ-હૈદરાબાદ એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : ગુજરાતમાં વરસાદ-પૂરની આફત અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, નુકસાનીનું આંકલન કરવા ટીમ બનાવી
20 રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર
IMDએ સોમવારે (02 સપ્ટેમ્બરે) રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યો મણિપુર, આસામ, નાગાલેન્ડ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભૂસ્ખલનને કારણે સાત લોકોના મોત
ગઈકાલે (31 ઑગસ્ટે) આંધ્રપ્રદેશમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ સાત લોકોના મોત થયા છે, જેમાં વિજયવાડામાં ભૂસ્ખલનને કારણે થયેલા ચાર મૃત્યુ થયા છે. મળતી માહિતી મુજબ, ભૂસ્ખલનની ઘટના વિજયવાડાના મોગલરાજપુરમ વિસ્તારમાં ભારે વરસાદને કારણે એક ઘર પર મોટો પથ્થર પડ્યો હતો.