ફ્લાઇટ્સમાં બોમ્બની ખોટી ધમકીઓને લઈને કેન્દ્ર સરકારે જાહેર કરી એડવાઇઝરી, મેટા-X પાસે માંગી મદદ
IT Ministry Advisory : ફ્લાઇટ્સને સતત મળી રહેલી બોમ્બની ધમકીને લઈને આઇટી મંત્રાલયે એડવાઇઝરી જાહેર કરી છે. એવી માહિતી હટાવવા અને સુરક્ષા એજન્સીઓને તેમની માહિતી આપવાની જવાબદારી સોશિયલ મીડિયા પ્લેટફૉર્મની હશે. કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ, મેટા અને અન્ય પ્લેટફૉર્મ પાસે આને લઈને મદદ માગી છે.
ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફૉર્મેશન ટૅક્નોલૉજી મંત્રાલયે ઇન્ફૉર્મેશન ટૅક્નોલૉજી અધિનિયમ, 2000 અને ઇન્ફૉર્મેશન ટૅક્નોલૉજી (મધ્યસ્થ દિશાનિર્દેશ અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા) નિયમ, 2021 હેઠળ મધ્યસ્થો દ્વારા યોગ્ય પરિશ્રમના પાલન હેઠળ દિશાનિર્દેશ અપાયા છે.
આઇટી મંત્રાલયે કહ્યું છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં સોશિયલ મીડિયા મધ્યસ્થો સહિત અલગ અલગ માધ્યમોથી ભારતમાં સંચાલિત અલગ અલગ એરલાઇન્સને ખોટી બોમ્બની ધમકીઓ મળી રહી છે. એરલાઇન્સ, મુસાફરો અને સુરક્ષા એજન્સીઓને આ પ્રકારની ખોટી બોમ્બની ધમકીઓના કારણે મુશ્કેલી વેઠવી પડી રહી છે. તેનાથી એરલાઇન્સનું સામાન્ય સંચાલન ખોરવાય છે અને મોટાપાયે આર્થિક નુકસાન પણ થાય છે.
મંત્રાલયે કહ્યું કે, એરલાઇન્સને ખોટી બોમ્બ ધમકીઓ જેવા કૃત્ય જાહેર વ્યવસ્થા અને રાજ્યની સુરક્ષા માટે સંભાવિત ખતરો પેદા કરે છે. આ રીતે ખોટી ધમકીઓ મોટી સંખ્યામાં નાગરિકોને તકલીફ આપવાની સાથે દેશની આર્થિક સુરક્ષાને પણ અસ્થિર કરે છે.
આ સિવાય, સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર 'ફોરવર્ડિંગ/રી-પોસ્ટિંગ/રી-ટ્વીટ'ના વિકલ્પો હોવાના કારણે આ પ્રકારની ખોટી ધમકીઓનો ફેલાવો ખતરનાક રીતે બેકાબુ થયો છે. આ રીતની ખોટી ધમકીઓમાં વધુ પડતી ખોટી માહિતી હોય છે જે જાહેર વ્યવસ્થા, એરલાઇન્સના સંચાલન અને એરલાઇન મુસાફરોની સુરક્ષાને મોટા પ્રમાણમાં અસર કરે છે.
આ પણ વાંચો : ફ્લાઇટમાં બોમ્બની ખોટી ધમકીઓ: મોદી સરકારે Meta અને X પાસે માંગી મદદ
'તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવી જોઈએ'
આઇટી મંત્રાલયે કહ્યું કે, આ સંબંધિત એ ધ્યાન આપવું જોઈએ કે સોશિયલ મીડિયા મધ્યસ્થો સહિત મધ્યસ્થોને ઇન્ફૉર્મેશન ટૅક્નોલૉજી અધિનિયમ, 2000 અને ઇન્ફૉર્મેશન ટૅક્નોલૉજી (મધ્યસ્થ દિશાનિર્દેશ અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા) નિયમ, 2021 હેઠળ યોગ્ય પરિશ્રમનું દાયિત્વ છે કે તેઓ એવી ખોટી માહિતીઓને તાત્કાલિક હટાવી દે જે જાહેર વ્યવસ્થા અને રાજ્યની સુરક્ષાને અસર કરે છે.
આઇટી અધિનિયમની કલમ 79નો કર્યો ઉલ્લેખ
આ પ્રકારે યોગ્ય પરિશ્રમ જવાબદારીઓના ભાગરૂપે સોશિયલ મીડિયા મધ્યસ્થો સહિત સંબંધિત મધ્યસ્થોની આ જવાબદારી છે કે તેઓ કોઈ પણ યૂઝર્સને કોઈ પણ ગેરકાયદે અથવા ખોટી માહિતીને હોસ્ટ, પ્રદર્શિત, અપલોડ, સંશોધિત, પ્રકાશિત, પ્રસારિત, સંગ્રહિત, અપડેટ કે શેર કરવાની મંજૂરી ન આપીને આઈટી નિયમ, 2021 હેઠળ તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરે. આ સિવાય, આઈટી અધિનિયમની કલમ 79 હેઠળ સોશિયલ મીડિયા મધ્યસ્થો દ્વારા ઉપલબ્ધ અથવા હોસ્ટ કરાયેલી કોઈ પણ ત્રીજા પક્ષની માહિતી, ડેટા કે કોમ્યુનિકેશન લિંક માટે જવાબદારીમાંથી મુક્તિ લાગુ થશે નહીં, જો આવા મધ્યસ્થીઓ આઇટી એક્ટ, 2021ની સાથે નક્કી કરેલી જવાબદારીઓનું પાલન નહીં કરે અથવા ગેરકાયદે કામમાં મદદ કર છે.
આ પણ વાંચો : ફ્લાઈટ્સ બાદ હવે રાજકોટની 10 જાણીતી હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ દોડતી થઈ
ગાઇડલાઇનમાં કહેવાયું છે કે, આઈટી નિયમ, 2021માં ઉપલબ્ધ કરાયેલી યોગ્ય પરિશ્રમ જવાબદારીઓનું પાલન કરવામાં સોશિયલ મીડિયા મધ્યસ્થોની નિષ્ફળતાના મામલે આઇટી અધિનિયમની કલમ 79ની જોગવાઈ આવા મધ્યસ્થ પર લાગુ નહીં થાય અને તેઓ આઇટી અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતા 2023 સહિત કોઈ પણ કાયદા હેઠળ ઉપલબ્ધ કરાયેલા પરિણામી કાર્યવાહી માટે જવાબદાર હશે.