ફલેશ બેક, જયારે 1984ની લોકસભા ચુંટણીમાં કોંગ્રેસે સર્જયો હતો 400 પારનો રેકોર્ડ, ભાજપને મળી હતી માત્ર 2 બેઠકો
ઇન્દેરા ગાંધીની હત્યા થતા સહાનુભૂતિથી મતપેટીઓ છલકાઇ હતી
એ સમયે કોંગ્રેસને ગુજરાતમાં 26 માંથી 24 બેઠકો મળી હતી.
નવી દિલ્હી,3 જુન,2024,સોમવાર
ભારતના રાજકિય ઇતિહાસમાં કોઇ રાજકીય પક્ષને લોકસભા બેઠકો 400 પાર મળી હોય તેવી ઘટના એક વાર જ બની છે. 31 ઓકટોબર 1983ના રોજ વડાપ્રધાન ઇન્દેરા ગાધીને પોતાના જ અંગરક્ષકોએ હત્યા કરી નાખતા તેમના પાઇલોટ પુત્ર રાજીવ ગાંધીને દેશની બાગડોર સોંપવામાં આવી હતી.1984 માં દેશમાં યોજાયેલી સામાન્ય ચુંટણીઓમાં ઇન્દેરા ગાંધીની હત્યાના પગલે કોંગ્રેસ માટે સહાનુભુતિનું મોજુ ફરી વળ્યું હતું. કોંગ્રેસને આ મોજાના જોરે લોકસભાની 514 બેઠકોમાંથી 404 બેઠકો પર વિજય મળ્યો હતો.
ઇન્દેરા ગાંધી હયાત હતા ત્યારે બિન કોંગ્રેસી પક્ષોએ કોંગ્રેસ વિરોધ્ધી રાજકિય આબોહવા ઉભી કરેલી પરંતુ હત્યા પછીની ચુંટણીઓમાં સહાનુભુતિના જોરે કેટલાક રાજયોમાં તો 100 ટકા બેઠકો કોંગ્રેસ મેળવી હતી. જેમાં રાજસ્થાન. ઓરિસ્સા અને મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રમાં તો જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. મધ્યપ્રદેશમાં 40 માંથી 40 અને રાજસ્થાનમાં 25 માંથી 25 તથા ઉત્તરપ્રદેશમાં 85 માંથી 83 બેઠકો મેળવીને સપાટો બોલાવ્યો હતો. ગુજરાતમાં પણ કોંગ્રેસની લહેર ફરી વળી હતી. જેમાં વિક્રમજનક 24 બેઠકો મળેલી જે આજે પણ રેકોર્ડ છે.
જયારે ભાજપે 378 ઉમેદવારો દેશમાં ઉભા રાખેલા તેમાંથી માત્ર મહેસાણાની બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચુંટણી લડેલા એ કે પટેલ વિજેતા બન્યા હતા. આમ મહેસાણા બેઠકનો ભાજપ તરફેણમાં આવેલા લોક ચુકાદાને આજે પણ યાદ કરવામાં આવે છે. ગુજરાતમાંથી 1 કરોડ અને 88 લાખ મતદારોએ ચુંટણીમાં ભાગ લીધો હતો. 37.95 કરોડ લોકોએ દેશમાં મતદાનમાં ભાગ લીધો હતો.
1984 માં ભાજપ સહિતના રાષ્ટ્રીય તથા પ્રાદેશિક પક્ષો ધોવાઇ ગયા હતા. સમ્રગ દેશમાં ભાજપે 225 ઉમેદવારો ઉભા રાખ્યા તેમાંથી આંધ્રપ્રદેશના હનમ કોડાથી ચાંદુપટ્ટલા જગારેડ્ડી અને મહેસાણા બેઠક પરથી માત્ર એ કે પટેલ જ ચુંટાયા હતા. ભાજપ માટે 1984માં યોજાયેલી 8 મી લોકસભા માટેની ચુંટણીના પરીણામો અપેક્ષાથી વિપરીત આવ્યા હતા.
જન સંઘનો નવો અવતાર મનાતા ભાજપ પક્ષની સ્થાપના ૧૯૮૦માં કરવામાં આવી ત્યારથી કોંગ્રેસનો મુકાબલો કરીને ચુંટણીમાં જબરદસ્ત દેખાવ કરવા માટે લાલ કૃષ્ણ અડવાણી અને અટલબિહારી વાજપેયી જેવા નેતાઓ એ ભારે ઉત્સાહ જોવા મળતો હતો. ઇન્દેરા ગાંધી પણ વધતા જતા બિન કોંગ્રેસી પક્ષોના પડકારથી વાકેફ હતા. પરંતુ ઇન્દેરા ગાંધીની હત્યાથી દેશવાસીઓની લાગણી કોંગ્રેસ સાથે જોડાયેલી રહી હતી.
કોંગ્રેસે વિક્રમજનક 404 બેઠકો મેળવી હતી.આવું જબરદસ્ત પ્રદર્શન દેશ આઝાદ થયા પછી નેહરુના જમાનાની કોંગ્રેસે પણ કર્યું ન હતું. કોંગ્રેસને કુલ 49.10 ટકા મતો મળ્યા જયારે ભાજપને 7.74 ટકા મત મળ્યા હતા. ભાજપે દેશમાં 225 ઉમેદવારો મેદાનમાં ઉભા રાખ્યા હતા તેમાંથી મહેસાણાના ઉમેદવાર ઉપરાંત આંધ્રપ્રદેશના હનમ કોડાથી ચાંદુપટ્ટલા જગા રેડી એમ માત્ર બે ઉમેદવારો ચુંટાયા હતા.
લોકસભા ચુંટણી -1984
રાજકિય પક્ષ કુલ ઉમેદવારો વિજેતા ઉમેદવારો મતોની ટકાવારી
કોંગ્રેસ 491 404 49.10 %
ભાજપ 225 02 7.74%
જનતાપાર્ટી 207 10 6.89 %
સીપીએમ 59 22 5.87%
સીપી આઇ 61 06 2.71 %
આઇસી એસ 31 04 1.52 %
લોકદળ 171 03 5.97%
અપક્ષ 3791 05 7.92 %
પ્રાદેશિક પક્ષો 158 58 11.56 %