કાશ્મીરમાં વાહન ખાઈમાં પડતા પાંચ સૈનિકોના મોત
- મહિનામાં વાહન પડવાની બીજી ઘટના
- વ્હાઇટકોર્પ્સના જવાન ડયુટી પર જતાં હતા ત્યારે વાહન 350 ફૂટ નીચે ખાઈમાં પડયું
શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પૂંચ સેક્ટરમાં બનેલી દુર્ઘટનામાં મેંઢર ક્ષેત્રના બલનોઈ વિસ્તારમાં લશ્કરનું એક વાહન ખાઈમાં પડી ગયું. આ દુર્ઘટનામાં પાંચ જવાનના મોત થયા છે અને અનેક ઇજા પામ્યા છે. સૂચના મળતાં જ લશ્કરના ઘણા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવકાર્ય શરૂ કરી ઘાયલ જવાનોને હોસ્પિટલ મોકલ્યા હતા.
લશ્કરી વાહનમાં૮થી ૯ જવાન સવાર હતા અને તેમાથી પાંચના મોત થયા છે. બાકીની સારવાર ચાલી રહી છે. નીલમ હેડક્વાર્ટરથી બલનોઈ ઘારાપોસ્ટ જઈ રહેલી ૧૧ એમએલઇની લશ્કરી ગાડી ઘોરા પોસ્ટ પર પહોંચતા જ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. આ ગાડી લગભગ ૩૦૦થી ૩૫૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી.
ભારતીય લશ્કરની વ્હાઇટ કોરે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર જણાવ્યું હતું કે વ્હાઇટનાઇટ કોર્પ્સના જવાન પૂંચ સેક્ટરમાં ઓપરેશનલ ડયૂટી દરમિયાન એક વાહન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. આ બહાદુર સૈનિકોના મોત પર અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ. બચાવ અભિયાન જારી છે અને ઘાયલ સૈનિકોની સારવાર કરવામાં આવી રહી છે.
ગયા મહિને રાજૌરીમાં આવી જ એક દુર્ઘટનામાં એક સૈનિકનું મોત થયું હતું અને અન્ય એક ઇજા પામ્યો હતો. આ દુર્ઘટના ચાર નવેમ્બરે કાલાકોટના બડોગ ગામ પાસે થઈ હતી.તેમા સૈનિક બદ્રીલાલ અને જયપ્રકાશ ગંભીર રીતે ઇજા પામ્યા હતા. બદ્રીલાલનું સારવાર દરમિયાન નિધન થયું હતું.