ભાજપ સાથે ગઠબંધન તોડ્યા બાદ આ કિંગમેકર પાર્ટી સંકટમાં, ચૂંટણી પહેલા પાંચ ધારાસભ્યોનું રાજીનામું
JJP Party Five MLA Resigned : હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પછી 24 કલાકમાં જ જનનાયક જનતા પાર્ટીના (JJP) ચાર ધારાસભ્યોએ પાર્ટી છોડ્યાં પછી હવે આજે (18 ઑગસ્ટ) પાંચમા ધારાસભ્યએ પણ પાર્ટીને અલવિદા કહ્યું છે. JJPના બરવાલાના ધારાસભ્ય જોગીરામ સિહાગે રાજીનામુ આપ્યું છે, ત્યારે JJP પાર્ટીએ પહેલા પણ જોગીરામને ભાજપ પક્ષમાં રહેવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત, JJP પાર્ટીએ જોગીરામ અને રામનિવાસ સુરજાખેડાને અયોગ્ય જાહેર કરતો પત્ર વિધાનસભા અધ્યક્ષને લખ્યો હતો. આ બધા વચ્ચે ભાજપમાં જોગીરામની ટિકિટ ફિક્સ માનવામાં આવી રહી છે. અગાઉ ઉકલાનાના ધારાસભ્ય અનૂપ ધાનક, ટોહાનાના દેવેન્દ્ર બબલી, ગુહલા ચીકાના ઈશ્વર સિંહ અને શાહબાદના રામકરણ કલાએ રાજીનામું આપ્યું હતું.
આ પણ વાંચો : ટેક્સાસમાં બે કાર વચ્ચે ભીષણ અકસ્માત, ભારતીય પરિવારના ત્રણ સહિત પાંચના મોત
જોગીરામની ભાજપમાં ટિકિટ ફિક્સ
જોગીરામની ભાજપમાંથી બરવાલાથી ટિકિટ ફિક્સ માનવામાં આવી રહી છે. આ બધા વચ્ચે JJP પાર્ટીની સ્થિતિને ધ્યાનમાં રાખવાની સાથે ભાજપમાં ટિકિટ મળવાની ફિક્સ થયું હોવાથી જોગીરામે રાજીનામુ આપ્યું હતું. લોકસભા ચૂંટણીમાં ધારાસભ્ય જોગીરામ અને રામ નિવાસે ભાજપની તરફેણમાં પ્રચાર કર્યો હતો. જો કે, આ લોકોએ ત્યાં સુધી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ન હતું, પરંતુ પાર્ટી તેમને કાર્યક્રમોમાં આમંત્રણ આપતી ન હતી. જ્યારે હવે જોગીરામે રાજીનામું આપી દીધું છે.
JJP પાર્ટીમાં 10માંથી માત્ર ત્રણ જ ધારાસભ્યો રહ્યાં
2019માં 10 ધારાસભ્યો સાથે કિંગમેકર બનેલી JJP પાર્ટીમાં હાલ માત્ર ત્રણ જ ધારાસભ્ય રહ્યાં છે. તેમાં જીંદના ઉચના કલાનના ધારાસભ્ય દુષ્યંત ચૌટાલા, તેમની માતા બાધરાના ધારાસભ્ય નૈના ચૌટાલા અને જુલાનાના ધારાસભ્ય અમરજીત ધાંડાનો સમાવેશ થાય છે. JJPના 10 ધારાસભ્ય હોવાથી ભાજપે તેની મદદથી રાજ્યમાં સાડા ચાર વર્ષ સુધી સરકાર ચલાવી હતી. 2019ની વિધાનસભાની ચૂંટણી વખતે અલગ-અલગ રાજકિય પાર્ટીએ જે નેતાઓને ટિકિટ આપી ન હતી તે નેતાઓને JJPએ ટિકિટ આપીને વિધાનસભા સુધી પહોંચાડવાનું કામ કર્યું હતું. બીજી તરફ, 12 માર્ચે ભાજપ અને JJP પાર્ટીનું ગઠબંધન તૂટ્યાં બાદ JJP પાર્ટી વિખેરાઈ રહી હતી.
આ પણ વાંચો : ચૂંટણીની તારીખો જાહેર થતાં જ હરિયાણાના રાજકારણમાં ભૂકંપ, 24 કલાકમાં ચાર ધારાસભ્યોના રાજીનામાં
આ નવી વાત નથી, ચૂંટણી વખતે આવું જ થતું હોય છે
પાર્ટીમાંથી ધારાસભ્યોનું રાજીનામુ આપવા પર ડૉ. અજય ચૌટાલા બેફિકર જોવા મળ્યાં હતા. તેમણે કહ્યું હતું કે, 'આ નવી વાત નથી, ચૂંટણી વખતે આવું જ થતું હોય છે. કોણ-કોણ પાર્ટી છોડી રહ્યું છે, અમને વાંધો નથી. કોંગ્રેસ પાસે એક-એક વિધાનસભામાં 10-10 ટિકિટાર્થી છે. હવે કોંગ્રેસમાં પણ આવી જ નાસભાગ થશે.' આ સાથે અજય ચૌટાલાએ ગઠબંધનની સંભાવના પર કહ્યું કે, 'સંભાવના હંમેશા છુપાયેલી રહે છે.'