જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના! સેનાનું વાહન 350 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાન શહીદ
Poonch Accident: જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં મંગળવાર સાંજે મોટી દુર્ઘટના બની. અધિકારીઓએ જણાવ્યું કે, જિલ્લાના મેંઢર વિસ્તારમાં બલનોઈ વિસ્તારમાં સેનાનું એક વાહન બેકાબૂ થઈને ખીણમાં ખાબક્યું. જણાવાય રહ્યું છે કે, આ ઘટનામાં અનેક સૈનિક ઈજાગ્રસ્ત થયા છે. માહિતી મળતા જ સેનાના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરીને ઘાયલોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી છે.
જણાવાય રહ્યું છે કે, આ ગાડીમાં 8 જવાન સવાર હતા. નીલમ હેડક્વાર્ટરથી લબનોઈ ઘોરા પોસ્ટ તરફ જઈ રહેલી 11 MLIની સૈન્ય ગાડી ઘોરા પોસ્ટ પર પહોંચતા જ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. ગાડી અંદાજિત 300-350 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી. માહિતી મળતા જ 11 MLIની ટીમ ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યૂ શરૂ કર્યું.
મે મહિનામાં પણ સર્જાઈ હતી આવી દુર્ઘટના
આ અગાઉ આ વર્ષે મે મહિનામાં જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેનાનું વાહન ખીણમાં ખાબક્યું હતું. જેમાં એક જવાન શહીદ થયા હતા, ત્યારે 9 જવાનો ઘાયલ થયા હતા. આ અકસ્માત દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના વેરીનાગ વિસ્તારમાં સર્જાયો હતો. બટાગુંડ વેરિનાગ વિસ્તારમાં ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સેનાનું વાહન સીધું ખીણમાં ખાબક્યું હતું.
ગત વર્ષે સેનાની ટ્રક ખીણમાં પડતા 9 જવાનો શહીદ થયા હતા
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ઓગસ્ટમાં લદાખમાં લેહના ક્યારી ગામ પાસે સેનાનું એક ટ્રક ખીણમાં ખાબક્યું હતું. આ ઘટનામાં 2 જુનિયર કમિશન ઓફિસર અને 7 જવાનો શહિદ થયા હતા. સેનાના ટ્રકની સાથે એક એમ્બ્યુલન્સ અને યૂએસવી પણ હતી. આ તમામ વાહનોમાં કુલ 34 સેનાના જવાનો હતા. જવાનો કારુ ગૈરીસનથી લેહ પાસે ક્યારી તરફ જઈ રહ્યા હતા.