દિલ્હીમાં કલાકમાં 5 ઈંચ વરસાદથી સંસદમાં પણ પાણી ટપકતું થયું, રસ્તા બેટમાં ફેરવાયા, 3નાં મોત
New Delhi Rain Updates | દિલ્હીમાં એક જ કલાકમાં 5 ઈંચ જેટલો વરસાદ પડતા દેશની રાજધાનીના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં અને હવામાન વિભાગને રેડ એલર્ટ જારી કરવાની ફરજ પડી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નેશનલ ફલેશ ફલડ ગાઇડન્સ બુલેટિનની ચિંતાજનક વિસ્તારોની યાદીમાં દિલ્હીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે નવી સંસદમાં પણ પાણી ટપકતું થઈ ગયું છે. તેનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.
આકરી ગરમી સહન કરતી દિલ્હીમાં બુધવારે સાંજે આશરે 1 કલાક સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં 5 ઈંચ વરસાદમાં દેશની રાજધાની પાણી પાણી થઈ ગઇ હતી. અનેક જગ્યાએ રોડરસ્તા તો જાણે બેટમાં ફેરવાઈ ગયા હતા. જ્યારે ગાઝિયાબાદ નજીકના ગાઝીપુરમાં એક મહિલા નાળામાં ગરકાવ થતાં મૃત્યુ પામી. તેની સાથે તેનું બાળક પણ હતું જે મૃત્યુ પામી ગયો છે. બીજી બાજુ શાકમાર્કેટ વિસ્તારમાં એક દુકાન ધરાશાયી થઈ જતાં એક વ્યક્તિ દટાઈ જતાં મૃત્યુ પામી ગયા.
ઇન્ડિયા મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટના ઓટોમેટીક વેધર સ્ટેશન નેટવર્ક અનુસાર મધ્ય દિલ્હીના પ્રગતિ મેદાનમાં એક જ કલાકમાં 112.5 મિમી વરસાદ પડયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં પાંચ ઓગસ્ટ સુધી વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
ભારે વરસાદને કારણે દિલ્હીના લુટયેન, કાશ્મીરી ગેટ, રાજિન્દર નગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પાણી ભરાઇ જવાથી યુપીએસસીના ત્રણ ઉમેદવારોના મોત થયા હતાં. આ ઘટના દિલ્હીના જૂના રાજિન્દર નગરમાં બની હતી. આજે પડેલા પાંચ ઇંચ વરસાદમાં આ વિસ્તારમાં પણ પાણી ભરાઇ જતાં લોકોની ચિંતા વધી ગઇ હતી.
બીજી તરફ ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ આધારિત ઘટનાઓમાં 12 લોકોનાં મોત થયા હતાં.રાજ્યના સાત જિલ્લાઓ અયોધ્યા, બલિયા, લખમીપુર ખેરી, ફરુખાબાદ, સિતાપુર, બેહરિચ અને હરદોઇ પૂર અસરગ્રસ્ત જિલ્લાઓ છે. 12 લોકોનાં મોત વીજળી પડવાથી, ડૂબી જવાથી અને સાપ કરડવાથી થયા છે.