કાશ્મીરમાં પ્રથમ વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ પૂર્ણ, વિશ્વના સૌથી ઊંચા ચિનાબ પુલ પરથી પસાર થઇ, ટૂંક સમયમાં સેવા શરુ
Kashmir 1st Vande Bharat Express: જમ્મુ-કાશ્મીર માટે વંદે ભારત એક્સપ્રેસની રાહ હવે લગભગ પૂરી થઈ ગઈ છે. આ ટ્રેનની ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે અને તે વિશ્વના સૌથી ઊંચા પુલ પરથી પસાર થવામાં સફળ રહી છે. આ ટ્રેનને ખાસ કરીને આ પ્રદેશની ઠંડીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. તેના કાચ પર બરફ જામશે નહીં અને તે -30 ડિગ્રી સેલ્સિયસમાં પણ સરળતાથી ચાલશે.
વંદે ભારત ટ્રેનની ટ્રાયલ પૂર્ણ
વંદે ભારત ટ્રેન જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજ ચિનાબ બ્રિજ પરથી પસાર થઈ. અહીં વંદે ભારત ટ્રેનની ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે. આ પુલ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પર સ્થિત છે. ગયા અઠવાડિયે, તેનું ટ્રાયલ રન ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પર સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.
ચિનાબ બ્રિજ પર ટ્રેન ચલાવવી એ રેલવે બોર્ડ માટે એક મોટી સફળતા
આ ટ્રાયલ રન કટરા-બડગામ રેલવે ટ્રેક પર કરવામાં આવ્યો હતો. આ ટ્રેનમાં કુલ 18 કોચ છે. જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં રેલ્વેની કનેક્ટિવિટી સુધારવા માટે, ઘણી રેલ્વે લાઇન નાખવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ એટલે કે ચિનાબ બ્રિજ પર ટ્રેન ચલાવવી એ રેલવે બોર્ડ માટે એક સફળતા છે.
કાશ્મીર ખીણ માટે વિશેષ વંદે ભારત ટ્રેન
આ વંદે ભારત ટ્રેનને 'કાશ્મીર સ્પેશિયલ' બનાવવામાં આવી છે. વંદે ભારત ટ્રેન બનાવતા પહેલા રેલવે દ્વારા કાશ્મીર ખીણના હવામાનને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. આ વંદે ભારત ટ્રેન યાત્રીઓ માટે ખૂબ જ વાજબી હશે અને મુસાફરીને પણ સરળ બનાવશે.
કટરાથી બનિહાલનું અંતર 90 મિનિટમાં હવે વંદે ભારત ટ્રેન દ્વારા કાપી શકાશે. ગણતંત્ર દિવસ પર કાશ્મીર ઘાટીને આ ભેટ આપવામાં આવશે. આ ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો કાશ્મીરનું સ્વર્ગ જોઈ શકશે. આ ટ્રેન ઊંચા પર્વતો પરથી 160 કિમી પ્રતિ કલાકની ઝડપે પસાર થશે. ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રૂટ પર આ ટ્રેન સેવા શરૂ થવાથી મુસાફરોને ઘણી સુવિધા મળશે.
માઈનસ તાપમાનમાં પણ ઝડપથી દોડશે વંદે ભારત
કાશ્મીર ખીણમાં, આ ટ્રેન -30 ડિગ્રી તાપમાનમાં પણ મુસાફરોને ડેસ્ટીનેશન સુધી પહોંચાડશે. આ ટ્રેનને ઝડપથી દોડાવવા માટે તેમાં એરપ્લેનની કેટલીક ખાસિયતો પણ ઉમેરવામાં આવી છે. ખાસ રીતે તૈયાર કરવામાં આવેલી આ ટ્રેનના કાચ પર ક્યારેય બરફ જામશે નહીં, જેના કારણે વિઝિબિલિટીમાં કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં થાય.