ઈતિહાસમાં પહેલીવાર PMના બે પ્રિન્સિપલ સેક્રેટરી: શક્તિકાંત દાસને નિવૃત્તિ બાદ કેમ અપાઈ મોટી જવાબદારી?
Shaktikanta Das Appointed As Principal Secretary To PM: દેશના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ વડાપ્રધાનના બે પ્રિન્સિપલ સેક્રેટરી એક સાથે કામ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે આરબીઆઈના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસની પસંદગી કરવામાં આવી છે. તેમજ પીકે મિશ્રા 2019થી જ પ્રિન્સિપલ સેક્રેટરી પદે કાર્યરત છે. 2019માં મોદી સરકાર બન્યા બાદ પીકે મિશ્રાને પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.
શક્તિકાંત દાસ હાલમાં જ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર પદેથી નિવૃત્ત થયા હતાં. હવે તેમને વડાપ્રધાન મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેની મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. શક્તિકાંત દાસની પાસે સરકાર સાથે કામ કરવાનો સારો એવો અનુભવ છે. આરબીઆઈના ગવર્નર ઉપરાંત નાણા સચિવ અને આર્થિક બાબતોના સચિવ પદે જવાબદારી નિભાવી ચૂક્યા છે. તેમનો નાણાં અને નીતિ નિર્માણ ક્ષેત્રમાં અનુભવ પીએમઓ માટે લાભદાયી સાબિત થશે.
પીકે મિશ્રાને સહયોગની જરૂર
નિષ્ણાતોનું કહેવું છે કે, પીકે મિશ્રાની ઉંમર ખૂબ છે. તે 76 વર્ષના હોવાથી તેમને એક સહયોગીની જરૂર હતી. શક્તિકાંત દાસની ઉંમર 67 વર્ષ છે. શક્તિકાંતની નિમણૂક સાથે હવે PM મોદીના બે પ્રિન્સિપલ સેક્રેટરી રહેશે. સામાન્ય રીતે એક પ્રિન્સિપલ સેક્રેટરી અને બીજા એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કામગીરી કરે છે. પરંતુ આ વખતે પ્રથમ વખત એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરીના બદલે બે પ્રિન્સિપલ સેક્રેટરીની નિમણૂક કરવામાં આવી છે.
PM મોદીના બે સલાહકાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે સલાહકાર પણ છે. આઈએએસ અમિત ખરે અને તરૂણ કપૂર સલાહકાર તરીકે કામ કરી રહ્યા છે. પીએમઓમાં પીકે મિશ્રા સૌથી વધુ વરિષ્ઠ નિવૃત્ત અધિકારી છે. 1972ની બેન્ચના આઈએએસની મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં પણ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
શક્તિકાંત દાસને બહોળો અનુભવ
શક્તિકાંત દાસે ભુવનેશ્વરની ડિમોન્સ્ટ્રેશન મલ્ટીપર્પસ શાળામાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ સેન્ટ સ્ટીફન્સ કોલેજ દિલ્હીમાંથી હિસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન અને માસ્ટર્સ પૂર્ણ કર્યું હતું. તેમણે લાંબા સમય સુધી સિવિલ સર્વિસ આપી છે. તેઓ આઠ કેન્દ્રીય બજેટમાં મહત્ત્વનું યોગદાન આપી ચૂક્યા છે. એડીબી, એનડીબી અને એઆઈઆઈબીમાં પણ ગવર્નર રહી ચૂક્યા છે.