રાજસ્થાનના કોટામાં શરૂ થશે સ્નેક પાર્ક, 29 ભારતીય અને ચાર અમેરિકન પ્રજાતિના સાપ જોવા મળશે

સ્નેક પાર્ક માટે 9290 ચોરસ ફૂટમાં બે માળનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું

UITએ આ બિલ્ડિગના બનાવવા માટે રૂપિયા 7.42 કરોડનો ખર્ચો કર્યો

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
રાજસ્થાનના કોટામાં શરૂ થશે સ્નેક પાર્ક, 29 ભારતીય અને ચાર અમેરિકન પ્રજાતિના સાપ જોવા મળશે 1 - image


Snake park in Kota : ભારત દેશમાં વિવિધ વન્ય જીવ અભ્યારણ તેમજ અનેક સફારી પાર્ક છે ત્યારે હવે રાજસ્થાનના કોટામાં દેશનો પ્રથમ 'સ્નેક પાર્ક'  ટૂંક સમયમાં જ શરુ થશે જ્યાં 29 ભારતીય અને ચાર અમેરિકન પ્રજાતિ સહિત સાપની અનેક પ્રજાતિઓ જોવા મળશે. 

સ્નેક પાર્ક ઘણા લોકોને આકર્ષિત કરશે

આખી દુનિયામાં લોકો સાપના નામથી જ ડરી જાય છે અને સાપને જોતા જ હોશ ગુમાવી બેસે છે પરંતુ રાજસ્થાનના કોટાના બંડી રોડ પર હર્બલ પાર્કમાં દેશનો પ્રથમ સ્નેક પાર્ક ટૂંક સમયમાં જ શરુ થશે જે ઘણા લોકોને આકર્ષિત કરશે. આ સ્નેક પાર્કની બિલ્ડિંગ બનીને તૈયાર થઈ ગઈ છે ફક્ત NOCની જ રાહ જોવાઈ રહી છે. ઉલ્લેખનીય છે આ સ્નેક પાર્કમાં 29 ભારતીય અને ચાર અમેરિકન પ્રજાતિ સહિત 50થી વધુ પ્રજાતિના સાપ જોવા મળશે, જેમાં ઝેરી અને બિન ઝેરી સાપનો સમાવેશ થશે. આ સિવાય એનાકોન્ડા, અજગરને પણ લાવવાનો પ્રસ્તાવ રખાયો છે. 

રાજસ્થાનના કોટામાં શરૂ થશે સ્નેક પાર્ક, 29 ભારતીય અને ચાર અમેરિકન પ્રજાતિના સાપ જોવા મળશે 2 - image

અહીં સાપની આ પ્રજાતિઓને રાખવામાં આવશે

કોટામાં શરુ થનાર સ્નેક પાર્કમાં ઈન્ડિયન ક્રોબ્રા, કોમન ઈન્ડિયન ક્રેટ, રસેલ વાઈપર, પાયથન, રેટ સ્નેક, ચેકર્ડ કીલ બ્લેક, બોન્ઝ બેક કીલ સ્નેક, ટ્રિનકેટ સ્નેક, કેટ સ્નેક, બ્રાન્ડેડ કુકરી, વોલ્ફ સ્નેક, રેડ સ્પોટેડ જ્યારે વિદેશી પ્રજાતિઓમાં મેક્સીકન કિંગ સ્નેક, મિલ્ક સ્નેક, કોર્ન સ્નેક અને બોલ પાયથન સ્નેક જોવા મળશે. આ સ્નેક પાર્કની છેલ્લા 20 વર્ષથી રાહ જોવાઈ રહી હતી જે હવે ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ સ્નેક પાર્ક માટે 10 કરોડનું બજેટ પાસ કરવવામાં આવ્યું હતું પરંતુ  UITએ આ બિલ્ડિગના બનાવવા માટે રૂપિયા 7.42 કરોડનો ખર્ચો કર્યો છે. સ્નેક પાર્ક માટે 9290 ચોરસ ફૂટમાં બે માળનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. આ સ્નેક પાર્કનો આકાર પણ સાપના આકાર મુજબ જ હશે. આ ઉપરાંત પાર્કમાં શેષનાગની પ્રતિમાં પણ સ્થાપિત કરવામાં આવશે. 

નવું સંશોધન કેન્દ્ર બનાવવામાં આવશે

UITએ આ સ્નેક પાર્કના બિલ્ડિંગનું નિર્માણ જૂલાઈ 2021માં શરુ કર્યું હતું અને 30 એપ્રિલ 2022ના પૂરા કરવાની ડેડલાઈન રાખી હતી. હવે આ બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે જો કે હાલમાં આ સ્નેક પાર્કમાં હજુ સુધી એકપણ સાપ લવાયા નથી પરંતુ ટૂંક સમયમાં જ તેની પ્રક્રિયા શરુ થશે. આ સ્નેક પાર્કને અર્બન ડેવલપમેન્ટ ટ્રસ્ટ, ફોરેસ્ટ, વાઈલ્ડ લાઈફ અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના સહયોગથી ચલાવવામાં આવશે. અહીં વન્યજીવો પર કામ કરનારાઓને પણ ફાયદો થશે તેમજ નવું સંશોધન કેન્દ્ર બનાવવામાં આવશે.

રાજસ્થાનના કોટામાં શરૂ થશે સ્નેક પાર્ક, 29 ભારતીય અને ચાર અમેરિકન પ્રજાતિના સાપ જોવા મળશે 3 - image


Google NewsGoogle News