મહાકુંભના પ્રથમ શાહી સ્નાન : 1.64 કરોડ શ્રદ્ધાળુએ ડુબકી લગાવી
- ભાવવિભોર શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરાઇ
- ભારે ઠંડી, ધુમ્મસ અને ઠંડા પાણીમાં સ્નાનની અસર : કુંભ મેળામાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, આઇસીયુ વોર્ડ ફુલ
પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની સોમવારથી શરૂઆત થઇ ગઇ છે. સોમવારે શ્રદ્ધાળુઓએ પ્રથમ શાહી સ્નાનનો લાભ લીધો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના દાવા મુજબ પ્રથમ શાહી સ્નાનમાં આશરે દોઢ કરોડ શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. ૪૪ ઘાટ પર પરોઢીયે સવારે ચાર વાગ્યાથી શાહી સ્નાન શરૂ થઇ ગયું હતું, ભીડ એટલી બધી હતી કે પ્રથમ દિવસે જ ૩૭૦૦ લોકો વિખુટા પડી ગયા હતા જોકે બાદમાં તેમના સ્વજનો મળી ગયા હતા.
પ્રશાસનના દાવા મુજબ જર્મની, બ્રાઝિલ, રશિયા સહિત ૨૦ દેશોમાંથી વિદેશી મહેમાનો પણ મહાકુંભનો લાભ લેવા તેમજ પર્યટક તરીકે નિહાળવા માટે પહોંચ્યા છે. અમેરિકાના અબજોપતિ અને એપલના સ્થાપક સ્ટીવ જોબ્સના પત્ની લોરેન પોવેલ જોબ્સ પણ કુંભ મેળામાં પહોંચ્યા છે. તેઓ ૧૪મી તારીખે ગંગામાં ડુબકી લગાવીને સ્નાન કરશે.
દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રત્યેક સ્નાન પર્વ પર ત્રણ દિવસ ફ્રી સટલ બસ સેવાના લાભની જાહેરાત કરી છે. અહીંયા આશરે ૫૦૦ જેટલી સટલ બસો ચાલી રહી છે. દોઢ મહિના સુધી ચાલનારા મહાકુંભમાં છ શાહી સ્નાન રહેશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે પ્રથમ દિવસે દોઢ કરોડ શ્રદ્ધાળુઓએ શાહી સ્નાનનો લાભ લીધો હતો. પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવી હતી.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સોમવારથી મહાકુંભની શરૂઆત થઇ ગઇ છે. દરમિયાન કુંભ મેળામાં આવેલા ૧૧ શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક આવ્યો હતો. જેને પગલે કેન્દ્રીય હોસ્પિટલનો ૧૦ બેડનો આઇસીયુ વોર્ડ ફુલ થઇ ગયો હતો. ઠંડી અને વરસાદને કારણે હાર્ટ એટેક આવી રહ્યા હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.
કુંભ મેળામાં છેલ્લા બે દિવસમાં ૧૧ શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક આવ્યા હતા જેમાંથી છ દર્દીઓને મેળાના પરેડ મેદાનમાં તૈયાર કરાયેલા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યારે પાંચ દર્દીઓને સેક્ટર ૨૦ના સબ સેન્ટર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેમને ઇમર્જન્સી સારવાર આપવામાં આવી હતી. બે દર્દીઓની સ્થિતિ નાજુક હોવાને કારણે તેમને એસઆરએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મેળામાં ખોલવામાં આવેલો દસ બેડ વાળો આઇસીયુ વોર્ડ ફુલ થઇ ગયો હતો.
હાલમાં કુંભ મેળામાં આવનારા શ્રદ્ધાળુઓ ઠંડા પાણીમાં ડુબકી લગાવે તે પહેલા કેટલીક સતર્કતા રાખવા માટે ડોક્ટરો સલાહ સુચન આપી રહ્યા છે. ડોક્ટરોનું કહેવુ છે કે હાલ અત્યંત ઠંડી પડી રહી છે, સવારે ધુમ્મસ પણ હોય છે. ગંગા નદીનું પાણી પણ ઠંડુ હોય છે. વધુ ઠંડીમાં ઠંડા પાણીમાં સ્નાસ કરવાથી લોહીની નસો જામ થઇ જાય છે. જેથી શરીરમાં લોહીનું ભ્રમણ અસર પામે છે અને તેનાથી હાર્ટ એટેક આવી શકે છે. આ ઉપરાંત કુંભ મેળામાં આવનારા શ્રદ્ધાળુઓ ખુલ્લા મેદાનમાં સુવે છે તો પણ તેમને વધુ ઠંડી લાગવાની શક્યતાઓ છે. માટે ઠંડીથી બચવા માટેની તમામ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.