'ભાવુક બની ગયો છું, મારી પાસે શબ્દો નથી...', પહેલા પાકિસ્તાની નાગરિકે અયોધ્યામાં રામ મંદિરમાં કર્યા દર્શન
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 16. ફેબ્રુઆરી 2024 શુક્રવાર
અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ લાખો લોકો અયોધ્યામાં દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે અને તેમાં અન્ય દેશોમાં રહેતા લોકોનો પણ સમાવેશ થાય છે.
અયોધ્યામાં વહી રહેલા ભક્તોના પ્રવાહ વચ્ચે પહેલા પાકિસ્તાની નાગરિક વિનય કપૂરને પણ રામ લલાના દર્શનનો લહાવો મળ્યો છે.વિનય કપૂર એક બ્લોગર છે અને તેમણે યુ ટ્યુબ પર અયોધ્યાનો વિડિયો પણ શેર કર્યો છે.જેમાં તેમણે કહ્યુ છે કે, 'અયોધ્યાની ગલીઓમાં ઉઘાડા પગે ફરવાનો અને મંદિરમાં જઈને દર્શન કરવાનો અનુભવ કોઈ સપનુ સાચુ પડયુ હોય તેવો હતો. હું અયોધ્યામાં આવીને મારી જાતને ભાગ્યાશાળી માની રહ્યો છું.'
વિનયે વિડિયોમાં કહ્યુ છે કે, 'અયોધ્યામાં હું એક હોટલમાં રોકાયો હતો અને સવારે જ મંદિરમાં દર્શન કરવા માટે નીકળી ગયો હતો.વરસાદના છાંટા વચ્ચે પણ લોકોની ભારે ભીડ દર્શન કરવા માટે જોવા મળી હતી.ભારતના અલગ અલગ હિસ્સાઓમાંથી લોકો અહીંયા દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને કેટલાક તો કેનેડા અને અમેરિકાથી ખાસ દર્શન માટે આવ્યા હતા.'
વિનયે કહ્યુ હતુ કે, 'રામ મંદિર પહોંચતા પહેલા મેં હનુમાનગઢીના મંદિરમાં જઈને દર્શન કરીને હનુમાનજીના આશીર્વાદ લીધા હતા.હું તો ભારે શ્રધ્ધા સાથે પગપાળા જ અયોધ્યામાં ફરવા માટે નીકળી પડ્યો હતો.અયોધ્યાની જૂની ગલીઓમાં માખણનો સ્વાદ પણ માણ્યો હતો.રામ મંદિરમાં પ્રવેશતી વખતે જે લાગણી મેં અનુભવી હતી તેનુ વર્ણન શ્દોમાં શક્ય નથી.મારા નસીબ પર મને ગર્વ થઈ રહ્યો છે કે, ભગવાન રામના દરબારમાં હાજરી આપવાનો મને મોકો મળ્યો છે.'
વિનયે કહ્યુ હતુ કે, 'સામાન રાખવા માટે મંદિરમાં લોકર રુમ અને શૂઝ રાખવા માટે પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે.સુરક્ષા વ્યવસ્થા પણ જડબેસલાક છે અને આ મંદિર બનાવવા માટે સિમેન્ટનો નહીં બલ્કે રાજસ્થાનથી મંગાવેલા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.'
રામ મંદિરમાં દર્શન બાદ વિનય કપૂર કનકભવન પહોંચ્યા હતા .આ એ જગ્યા છે જ્યાં ભગવાન રામ અને સીતા માતા રહેતા હતા. એ પછી તેમણે સરયૂ નદીમાં બોટિંગની મઝા માણી હતી .સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, 'સંખ્યાબંધ પ્રોજેકટના કારણે અયોધ્યાની કાયાપલટ થઈ રહી છે.'