Get The App

અયોધ્યામાં ભગવાન રામલલાના મંદિરમાં પ્રથમવાર જન્માષ્ટમી ઉજવવાની તૈયારી શરૂ, જાણો કાર્યક્રમ

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
Ram lalla


Ayodhya Ramlalla Temple: ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા સ્થિત ભગવાન રામલલાના દિવ્ય અને ભવ્ય મંદિરમાં આવતીકાલે પ્રથમ વખત જન્માષ્ટમી ઉજવવામાં આવશે. આ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. રામલલા મંદિરના મુખ્ય પૂજારીએ જણાવ્યું કે, 'મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામના જન્મસ્થળ પર બનેલા મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મંગળવારે એટલે કે 27 ઓગસ્ટના રોજ રાત્રે બરાબર 12 વાગ્યે રામલલા સ્થિત દરબારમાં ઉજવવામાં આવશે.'

જોરશોરથી તૈયારીઓ ચાલુ

મુખ્ય પુજારીએ કહ્યું કે, 'રામલલાના દરબારમાં પહેલીવાર જન્માષ્ટમી ઉજવવામાં આવી રહી છે, ત્યારે આ ભવ્ય ઉજવણીના દિવસે રામલલા ગુલાબી કપડાં પહેરશે. આ કાર્યક્રમની તૈયારીઓ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે.'

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ અનિલ મિશ્રાએ જણાવ્યું કે, 'આ વખતે રામલલાના દરબારમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવાની તૈયારીઓ કરવામાં આવી છે, જેમાં રામલલાને 50 કિલો પંચામૃતથી અભિષેક કર્યા બાદ 150 કિગ્રા પંજીરી ચઢાવવામાં આવશે. રામલલાને ફૂલો સહિત અન્નકૂટ પણ ધરાવાશે, જેમાં અનેક પ્રકારની વાનગીઓ, ફળ હશે. આ ઉપરાંત મંદિરનો ભવ્ય શણગાર કરવામાં આવશે.'

આ પણ વાંચોઃ બિહારમાં શ્રદ્ધાળુઓ ભરેલી બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 35 ઈજાગ્રસ્ત

સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન

ટ્રસ્ટના પ્રમુખે વધુમાં કહ્યું કે, 'જનમાષ્ટમીની ઉજવણી દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. રામનગરી અયોધ્યામાં પણ કૃષ્ણ ભક્તિ પ્રબળ છે. અહીં ઘણા પ્રાચીન કૃષ્ણ મંદિરો છે જે શ્રી રામ અને કૃષ્ણની અવિભાજ્યતાના સાક્ષી છે. આ તમામ મંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. સમગ્ર અયોધ્યામાં બે દિવસ સુધી ઉત્સવ મનાવવામાં આવશે.'

ગૃહસ્થ પરંપરા સાથે જોડાયેલા ભક્તો 26મી ઓગસ્ટે જન્માષ્ટમીનો તહેવાર અને 27મી ઓગસ્ટે ઉદયા તિથિને પગલે મંદિરોમાં ઉજવશે. અયોધ્યાના ગોકુલ ભવન, બ્રીજમોહન કુંજ, રાધાબ્રીરાજ મંદિર, રાજસદન સ્થિત રાધા માધવ મંદિર, ગુરુધામ ઈસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રવિવારથી આ મંદિરોમાં અનુષ્ઠાન શરૂ થશે.


Google NewsGoogle News