BIG NEWS: ભૂલથી સરહદ ઓળંગતા ભારતના જવાનને પાકિસ્તાની સેનાએ ડિટેઈન કર્યો, મીટિંગ બોલાવાઈ
Pakistan Rangers Caught BSF Jawan: પાકિસ્તાનની સેનાએ બીએસએફના એક જવાનની અટકાયત કરી હોવાના મોટા સમાચાર મળ્યા છે. ભૂલથી પાકિસ્તાનની સરહદમાં જતો રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. પાકિસ્તાન રેન્જર્સે બીએસએફના જવાનની અટકાયત કરી છે. અટકાયત કરવામાં આવેલા બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનની ઓળખ 182 બટાલિયનનો કોન્સ્ટેબલ પીકે સિંહ તરીકે થઈ છે. જવાનનો યુનિફોર્મ અને સર્વિસ રાઈફલ પાક. રેન્જર્સે જપ્ત કરી લીધી છે.
પંજાબના ફિરોજપુર જિલ્લામાં આવેલી ભારત-પાકિસ્તાન સરહદ પર ગઈકાલે ભૂલથી બીએસએફનો એક જવાન પાકિસ્તાનની સરહદમાં પ્રવેશી ગયો હતો. તે ખેડૂતો સાથે છાયડાંમાં આરામ કરવા માટે આગળ વધ્યો હતો. ત્યારે અચાનક સરહદ ક્રોસ થઈ જતાં પાકિસ્તાની રેન્જર્સ દ્વારા તેને પકડી લેવામાં આવ્યો હતો. જેથી પાકિસ્તાન રેન્જર્સે તેની અટકાયત કરી હતી. બંને દેશો વચ્ચે હાલ ચાલી રહેલાં તણાવ વચ્ચે પાકિસ્તાનની સેનાએ તેને મુક્ત કરવાનો ઈનકાર કર્યો છે. બીએસએફનો આ જવાન થોડા સમય પહેલાં જ આ સરહદ પર તૈનાત થયો હતો. તેથી તેને સરહદની ઓળખ ન હોવાથી ભૂલથી પાકિસ્તાન જતો રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
બુધવારે મોડી રાત્રે બીએસએફ અને પાકિસ્તાન રેન્જર્સ વચ્ચે ફ્લેગ મીટિંગ યોજાઈ હતી. જેમાં બીએસએફે પોતાના જવાનને પરત કરવાની માગ કરી હતી. પંરતુ પાકિસ્તાન રેન્જર્સે આ માગ ફગાવી દીધી હતી. આ મુદ્દે આજે ફરી બીએસએફ અને પાક. રેન્જર્સ વચ્ચે ફ્લેગ મીટિંગ થશે.