Get The App

અયોધ્યામાં રામ મંદિરમાં ફાયરિંગ, સુરક્ષામાં તહેનાત 25 વર્ષના જવાનનું મોત, પોલીસ ટુકડી ઘટનાસ્થળે

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
અયોધ્યામાં રામ મંદિરમાં ફાયરિંગ, સુરક્ષામાં તહેનાત  25 વર્ષના જવાનનું મોત, પોલીસ ટુકડી ઘટનાસ્થળે 1 - image


Ayodhya Ram Temple Firing: અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષામાં  તહેનાત સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સના એક જવાનનું શંકાસ્પદ પરિસ્થિતિઓમાં ગોળી વાગવાથી મોત થઈ ગયું છે. જવાનને આ ગોળી કેવી રીતે વાગી તે હજું સ્પષ્ટ નથી થયું. સૂચના મળતાં જ આઈજી-એસએસપી સહિત અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે જવાન આંબેડકર નગરનો રહેવાસી હતો. બુધવારે વહેલી સવારે અચાનક જ ગોળીબારના અવાજથી શ્રી રામ જન્મભૂમિ પરિસરમાં ખળભળાટ મચી ગયો છે. જવાનના મોતના સમાચાર મળતા જ તેમના ઘરમાં અફરા-તફરી મચી છે.

સુરક્ષામાં તહેનાત  25 વર્ષના જવાનનું મોત

જવાનનું નામ શત્રુઘ્ન વિશ્વકર્મા હતું. તેમની ઉંમર લગભગ 25 વર્ષ હોવાની માહિતી મળી રહી છે. ગોળીનો અવાજ સાંભળીને સ્થળ પર પહોંચેલા સાથી સુરક્ષાકર્મીઓએ તેમને ત્યાં લોહીથી લથપથ હાલતમાં જોયો અને તરત જ તેમને હોસ્પિટલ લઈ ગયા. ત્યાંથી ઘાયલ જવાનને ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો.

જવાન શત્રુઘ્ન વિશ્વકર્મા છેલ્લા કેટલાક દિવસોથી પરેશાન હતો

જવાનના મોતના સમાચારથી રામ મંદિર પરિસરમાં ખળભળાટ મચી ગયો છે. અયોધ્યાના આઈજી અને એસએસપી સહિત તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ફોરેન્સિક ટીમને પણ ત્યાં બોલાવી લીધી છે. ફોરેન્સિક ટીમે ઘટના સ્થળે તપાસ કરી હતી. આ મામલે જવાનના કેટલાક સાથીઓનું કહેવું છે કે, જવાન શત્રુઘ્ન વિશ્વકર્મા છેલ્લા કેટલાક દિવસોથી પરેશાન હતો. ઘટના પહેલા તે મોબાઈલ જોઈ રહ્યો હતો. પોલીસે શત્રુઘ્નનો મોબાઈલ પણ તપાસ માટે મોકલી આપ્યો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે જવાન પહેલાથી જ ડિપ્રેશનમાં હતો જેના કારણે આત્મહત્યાનો મામલો સામે આવી રહ્યો છે. જો કે, અધિકારીઓ પરિસરના CCTV ફૂટેજ અને નજીકમાં તહેનાત સૈનિકોની પણ પૂછપરછ કરી રહ્યા છે. જો કે, આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર નથી આવ્યું.

2019માં જ નોકરી મળી હતી

શત્રુઘ્ન વિશ્વકર્માને સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સ (SSF)માં 2019માં જ નોકરી મળી હતી. આંબેડકર નગરના સમ્મનપુરના કઝપુરા ગામના રહેવાસી શત્રુઘ્ન રામ મંદિર પરિસરમાં તૈનાત હતા. SSFની રચના 4 વર્ષ પહેલા યોગી આદિત્યનાથ સરકારે મંદિરોની સુરક્ષા માટે કરી હતી.




Google NewsGoogle News