લગ્ન કર્યા હોવાથી નર્સને નોકરીમાંથી કાઢવી મોંઘું પડયું : સુપ્રીમ કોર્ટે આપેલો સખતનો ચુકાદો
- 'લગ્ન કર્યા હોવાથી એક મહિલાની નોકરી ખતમ કરવી તે લિંગ-ભેદભાવ અને પૂર્વગ્રહયુક્ત છે : સંવિધાન પ્રમાણે પણ અસ્વીકાર્ય બને તેમ છે'
નવી દિલ્હી : લગ્નના આધારે એક નર્સને નોકરીમાંથી બર્ખાસ્ત કરવાના કેસમાં મહત્વનો ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, લગ્નના આધારે એક મહિલાને નોકરીમાંથી દૂર કરવી તે લૈંગિક પૂર્વગ્રહયુક્ત છે. તેમજ તે નિયમ પણ અસંવૈધાનિક છે, સંવિધાન પ્રમાણે જ અસ્વીકાર્ય છે. આ સાથે કોર્ટે તે મહિલાને ૬૦ લાખ રૂપિયા ચુકવવા માટે પણ હુકમ કર્યો હતો.
વાસ્તવમાં સેનામાં નર્સની કામગીરી બજાવતી તે મહિલાને લગ્ન પછી નોકરીમાંથી દૂર કરવામાં આવતાં તેણે કોર્ટનું શરણ લીધું હતું.
જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપંકર દત્તાની બેંચે સેબીના જ્હોનની યાચિકા લક્ષ્યમાં લઈ આ હુકમ કર્યો હતો. આ નર્સે ૧૯૮૮માં લગ્ન કર્યાં. પછી તુર્ત જ તેને તેના પદ ઉપરથી દૂર કરાયા હતાં. તે સમયે તેમને લેફટેનન્ટ નું પદ અપાયું હતું.
૨૦૧૨માં તેમણે સશસ્ત્ર સેના ન્યાયાલય સમક્ષ યાચિકા રજૂ કરી હતી. ત્યારે તે ન્યાયાલયે પણ તેમની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને કહ્યું હતું કે તેમને નોકરી પર પાછા લેવામાં આવે. આ ચુકાદા વિરુદ્ધ ૨૦૧૯માં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
આ અંગે એક ટીવી ચેનલે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, કોઈ ૧૪ ફેબુ્રઆરીના આદેશમાં હવે કોઈ હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. ૧૯૭૭માં એક નિયમ હતો, પરંતુ ૧૯૯૫માં તે નિયમ પાછો ખેંચવામાં આવ્યો હતો.
૧૯૭૭નો નિયમ, લગ્ન પછી નર્સને સેવામાંથી દૂર કરવા જણાવતો હતો. પરંતુ તે ૧૯૯૫માં પાછો ખેંચવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે તેના આ અંગેના ચુકાદામાં કહ્યું હતું કે, તે રીતે મહિલાને નોકરીમાંથી દૂર કરવી તે લૈંગિક ભેદભાવ અને અસમાનતાનો હિસ્સો બની રહે છે. તે સંવિધાન પ્રમાણે પણ નથી.