Get The App

નક્સલવાદીઓ દ્વારા સીઆરપીએફ પર હુમલો કરવા ફટાકડાનો ઉપયોગ

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
નક્સલવાદીઓ દ્વારા સીઆરપીએફ પર હુમલો કરવા ફટાકડાનો ઉપયોગ 1 - image


- સુરક્ષા બળોનું ધ્યાન ભટકાવવા આતંકીઓની નવી તરકીબ

- ગંભીર હુમલો કરવા અગાઉ સાંજના સમયે ફટાકડા ફોડીને સુરક્ષા દળોને ભ્રમિત કરવાનો પ્રયાસ

નવી દિલ્હી : માઓવાદીઓએ ડાબેરી આતંકવાદ પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષા બળો પર હુમલા કરવા દિવાળીના ફટાકડા અને અગરબત્તીનો ઉપયોગ કરવાની નવી તરકીબ અપનાવી છે, ખાસ કરીને તેલંગણના કોથાગુડેમ જિલ્લામાં સીઆરપીએફ જેવી કેમ્પ નજીક આવા હુમલા થઈ રહ્યા છે. આ વ્યૂહરચનાની જાણ ૨૫ સપ્ટેમ્બરે પુસુગુપ્પા કેમ્પ પર થયેલા હુમલા દરમ્યાન થઈ હતી જ્યારે રોકેટ અને બંદુકથી હુમલો કરવા અગાઉ અગરબત્તીથી ફટાકડા ફોડીને સૈનિકોનું ધ્યાન વાળવાનો પ્રયાસ કરાયો હતો.

હુમલાખોરોએ હુમલાનો સમય ચતુરાઈપૂર્વક સાંજનો નક્કી કર્યો જેથી સુરક્ષા બળોને તેમના પર સીધો હુમલો થયો હોવાનો વહેમ આવે. ૪૫ મિનિટના તીવ્ર ગોળીબાર પછી માઓવાદીઓએ પીછેહટ કરી અને કેમ્પની વાડને થોડુ નુકસાન કર્યું, જો કે તેમાં કોઈ જાનહાનિ નહોતી થઈ. ત્યાર પછી સુરક્ષા બળોને દિવાળીના ફટાકડા અને બળી ગયેલી અગરબત્તીઓના પુરાવા મળતા હુમલો કરવાની નવી પદ્ધતિની જાણ થઈ.

આ તરકીબનો હેતુ રાત્રિ-હુમલાની ગૂંચવણનો લાભ લેવાનો હતો જેમાં માઓવાદીઓ વધુ ગંભીર હુમલા કરવા અગાઉ સુરક્ષા દળોનું ધ્યાન ભટકાવવા ફટાકડાના અવાજનો ઉપયોગ કરે છે. નિષ્ણાંતોના મતે આ તરકીબ વ્યાપક ટ્રેન્ડનો હિસ્સો છે જેમાં બળવાખોરોને ખુલ્લી લડાઈમાં તકલીફ પડતી હોવાથી તેઓ સુરક્ષા બળોને લક્ષ્યાંક બનાવવા આવા પ્રોક્સી ઉપાયો અને સુધારેલા વિસ્ફોટો પર મદાર રાખતા થયા છે.

પરંપરાગત સ્ફોટકોથી ઓછી જોખમી હોવા છતાં આ નવી પદ્ધતિ દૂરગામી વિસ્તારોમાં વધુ પ્રમાણમાં જોવા મળી છે જ્યાં સીઆરપીએફ તેના ફોરવર્ડ ઓપરેટીંગ બેઝને વિસ્તૃત કરી રહ્યું છે, ખાસ કરીને છત્તીસગઢના બસ્તર જેવા વિસ્તારોમાં, જ્યાં નક્સલ વિરોધી ઓપરેશનો સૌથી વધુ તીવ્ર છે.


Google NewsGoogle News