Get The App

ચૂંટણી-લગ્ન સમયે પણ ફટાકડા પર પ્રતિબંધ લાગવો જોઇએ : સુપ્રીમ

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
ચૂંટણી-લગ્ન સમયે પણ ફટાકડા પર પ્રતિબંધ લાગવો જોઇએ : સુપ્રીમ 1 - image


- આખુ વર્ષ પ્રતિબંધ અંગે વિચારવા દિલ્હી સરકારને સલાહ 

- પ્રદૂષણ મુક્ત જીવન નાગરિકોનો મૌલિક અધિકાર, પ્રતિબંધને માત્ર દિવાળી સાથે ના જોડવો જોઇએ 

Supreme Court News |  પ્રદૂષણથી ઘેરાયેલા દિલ્હીમાં દિવાળીની ઉજવણી સમયે ફટાકડા ફોડવાને કારણે સ્થિતિ વધુ કથળી હતી, જેને પગલે પ્રતિબંધનું યોગ્ય રીતે પાલન ના કરાવી શકનારી દિલ્હી પોલીસ તેમજ પોલીસનો સુપ્રીમે ઉધડો લીધો હતો. સાથે જ દિલ્હી સરકારને પુરુ વર્ષ ફટાકડા પર પ્રતિબંધ અંગે વિચારવા માટે કહ્યું હતું.

સુપ્રીમે કહ્યું હતું કે અમારા આદેશને માત્ર દિવાળી સમયે ફોડવામાં આવતા ફટાકડા સાથે જ કેમ જોડવામાં આવે છે. કોઇ પણ ધર્મ પ્રદૂષણને વધારવાનું નથી કહેતો. આ લોકોના સ્વાસ્થ્યનો મામલો છે. પ્રદૂષણ મુક્ત જીવન નાગરિકોંનો મૌલિક અધિકાર છે. દિલ્હી પોલીસ કમિશનરને પ્રતિબંધનો યોગ્ય રીતે અમલ કરવા તેમજ સ્પેશિયલ સેલ ગઠિત કરવાનો આદેશ આપ્યો હતો. સાથે જ આખુ વર્ષ દિલ્હીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાગુ કરવા અંગે રાજ્ય સરકારને વિચારવા કહ્યું હતું, જે અંગે 25 નવેમ્બર સુધી કોર્ટને જવાબ આપવામાં આવશે. 

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અભય એસ ઓકા અને ન્યાયાધીશ અગસ્ટિન જોર્જની બેંચે દિલ્હીમાં વાયુ પ્રદૂષણના મામલાની સુનાવણી કરી હતી, આ દરમિયાન સુપ્રીમે ફરી એક વખત સ્પષ્ટતા કરી હતી કે ફટાકડા પર પ્રતિબંધ માત્ર દિવાળી જ નહીં સાથે સાથે ચૂંટણી પ્રચાર કે ચૂંટણીમાં જીતની ઉજવણી અને લગ્નોમાં પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાગવો જોઇએ. આ સાથે જ સુપ્રીમ કોર્ટે દિલ્હી એનસીઆરની સાથે અન્ય રાજ્યોને પણ ફટાકડાના સંગ્રહ, ભંડાકરણ, વિતરણ વગેરે મુદ્દે પ્રતિબંધ મુકવા અંગે જવાબ આપવા માટે કહ્યું હતું.


Google NewsGoogle News