પાતાલકોટ એક્સપ્રેસના બે કોચમાં લાગી ભીષણ આગ, રેલવે ગેટમેન યશપાલ 150 લોકો માટે બન્યાં 'દેવદૂત'
11 લોકો ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલ રિફર કરાયા
આ ટ્રેન પંજાબના ફરીદકોટથી મધ્યપ્રદેશના સિયોની જઈ રહી હતી, બુધવારે બની હતી આ ઘટના
image : Twitter |
Patalkot Express Caught Fire | પંજાબના (Punjab) ફરીદકોટથી (Faridkot) મધ્યપ્રદેશના (Madhya Pradesh) સિયોની જતી પાતાલકોટ એક્સપ્રેસ ટ્રેન ભયંકર આગની લપેટમાં આવી ગઈ હતી. આગ ત્યારે લાગી હતી જ્યારે આ ટ્રેન યાત્રીઓથી ભરેલી સ્થિતિમાં ચાલી રહી હતી. આગરાથી 10 કિ.મી. દૂર ભાંડઈ સ્ટેશન નજીક આ આગાની ઘટના બની હતી. જોકે હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. યાત્રીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.
11 લોકો ગંભીર રીતે દાઝ્યા
આ દુર્ઘટનામાં 11 લોકો આગની લપેટમાં આવી ગયા હતા. જોકે સદભાગ્યે તેમના જીવ બચી ગયા હતા. ઘાયલોને હોસ્પિટલ રિફર કરાયા હતા. સ્થાનિકોએ આગ ઓલવવા પ્રયાસ કર્યો હતો. લગભગ 3 કલાકની મહામહેનતે આગ પર કાબૂ મેળવાયો હતો.
રેલવે ગેટમેન બન્યાં 'દેવદૂત'
જોકે આ દુર્ઘટના એક મોટી હોનારતમાં ફેરવાઈ જાય તે પહેલાં દેવદૂત બનીને આવનાર બીજી કોઈ નહીં પણ રેલવે ગેટમેન જ હતો. અહેવાલ અનુસાર યશપાલ સિંહ (Yashpal singh) નામના ગેટમેને ટ્રેનમાં આગ લાગી હોવાની જાણકારી તાત્કાલિક સ્ટેશન માસ્ટરને આપી હતી. સ્ટેશન માસ્ટરે એલર્ટનેસ બતાવતા ટ્રેનના બંને ડબાનો વીજ સપ્લાય બંધ કરી દીધો. પછી બંને કોચને ટ્રેનથી અલગ કરી દેવાયા. જો ગેટમેને આ જાણકારી ન આપી હોત તો કદાચ મોટી હોનારત સર્જાઈ હોત. માહિતી અનુસાર આ દુર્ઘટના સમયે ટ્રેનના બે એ ડબામાં 150થી વધુ મુસાફરો સવાર હતા. આગરા રેલવે ડિવિઝનના પીઆરઓ શ્રીવાસ્તવે કહ્યું કે આગ લાગવાનું કારણ હજી જાણી શકાયું નથી. તપાસ ચાલી રહી છે.