દિલ્હીના અલીપુરમાં ફેક્ટરીમાં ભીષણ આગ, 11 શ્રમિકો જીવતા હોમાયા, ચારની હાલત ગંભીર
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મૃત્યુઆંક વધી શકે છે
ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો
Fire Broke Out in Delhi : રાજધાની દિલ્હીમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના બની છે. શહેરના અલીપુરની એક પેઇન્ટ ફેક્ટરીમાં ભીષણ આગમાં 11 શ્રમિકોના મોત થયા છે જ્યારે ચાર શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયાના અહેવાલ છે. ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મૃત્યુઆંક વધવાની સંભાવના છે.
ઘટનામાં ચારની હાલત હજુ પણ ગંભીર
આ ઘટનાની વધુ વિગતો મુજબ ઉત્તર દિલ્હીના અલીપુર વિસ્તારના દયાલ માર્કેટમાં એક પેઇન્ટ ફેક્ટરીમાં ગુરુવારે મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગ લાગ્યા બાદ ફેક્ટરીમાંથી ઘણા શ્રમિકો બહાર આવી શક્યા ન હતા અને 11 શ્રમિકો જીવતા હોમાયા હતા, જ્યારે ચાર શ્રમિકોની હાલત ગંભીર જણાવા મળી છે જેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે મૃત્યુઆંક વધી શકે છે. મૃતક શ્રમિકોની ઓળખ હજુ સુધી થઈ નથી. ફાયર વિભાગની 22 ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સ્થાનિક તંત્ર અને પોલીસની ટીમે પણ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો
નોંધનીય છે કે દિલ્હીનો આલીપુર વિસ્તાર ખુબ જ ભીડભાડવાળો છે. આ ગીચ વિસ્તારમાં આવેલી પેઇન્ટ ફેક્ટરી આગ ફાટી નીકળી હતી અને કેમિકલના કારણે આગ વધુ ફેલાઈ ગઈ હતી. જેના કારણે ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકો દાઝી ગયા હતા. અગાઉ ત્રણ શ્રમિકોના મોતના સમાચાર હતા, પરંતુ મોડી રાત્રે બહાર પાડેલા અપડેટમાં સામે આવ્યું છે કે દાઝી જવાથી 11 શ્રમિકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે આગના કારણે આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.