VIDEO: TATAના ઇલેક્ટ્રોનિક પ્લાન્ટમાં ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટા ઉડ્યા, 1500 કર્મચારીના જીવ બચ્યા
Tata Electronics Fire In Tamil Nadu: તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લાના હોસુર નજીક ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્લાન્ટમાં ભીષણ આગ લાગી હતી. ટાટા ઇલેક્ટ્રોનિક્સના આ પ્લાન્ટમાં આજે (28મી સપ્ટેમ્બર) સવારે જ આગ લાગી હતી. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. રાહત અને આગ બુઝાવવા માટે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.
આગની ઘટનાનો વીડિયો સામે આવ્યો
ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્લાન્ટમાં ભીષણ આગ લાગતાં કંપનીનો સામાન બળીને રાખ થઈ ગયો હતો. આગનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ધુમાડાના ગોટેગોટા જોઈ શકાય છે. આગ લાગ્યા બાદ શરુઆતમાં કર્મચારીઓએ ફેક્ટરીમાં હાજર ફાયર એન્જિન સાથે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે આગ પર કાબૂ મેળવી શકાયો ન હતો, ત્યારે રાયકોટ્ટાઈ અને ઢેંકનીકોટ્ટાઈ વિસ્તારમાંથી ફાયર વિભાગને બોલાવવામાં આવ્યા હતા. ફાયર વિભાગની ગાડીઓ હજુ પણ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો: 'બીજા પર હિંસાના આરોપ મૂકવા એ પાખંડની ચરમસીમા...' UNમાં ભારતે પાકિસ્તાનને ખખડાવ્યો
જાનહાનિના અહેવાલ નથી
અહેવાલો અનુસાર, આગની આ ઘટનામાં ત્યાં કામ કરતાં અંદાજે 1500 જેટલા કર્મચારીઓ સહિત કોઈને ઈજા થઈ નથી. આ ઘટનાની જાણ થતાં રાયકોટ્ટાઈ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ ટીમ આ મામલે તપાસ કરી રહી છે. કેમિકલ યુનિટમાં આગ લાગી હોવાથી આગમાં કેટલો કિંમતી સામાન બળી ગયો અને કેટલું નુકસાન થયું તેની તપાસ કરવામાં આવી રહી છે.