કેન્દ્રીય મંત્રી વિરુદ્ધ FIR, રાહુલ ગાંધી વિરુદ્ધ આપ્યું હતું નિવેદન, કહ્યું- નહીં માંગુ માફી
FIR Against Ravneet singh bittu: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અંગે વિવાદિત નિવેદન આપવા બદલ કેન્દ્રીય રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટુની મુશ્કેલી વધી છે. હકિકતમાં રાહુલ ગાંધીએ અમેરિકા પ્રવાસ દરમિયાન શીખ સમુદાય અંગે નિવેદન આપ્યું હતું, જે બદલ રવનીત બિટ્ટુએ તેમને આતંકવાદી ગણાવ્યા હતા. તેમના આ નિવેદન બાદ ભારે હોબાળો થયો હતો અને હવે કર્ણાટકમાં તેમની વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ઉપરાંત રવનીત બિટ્ટુએ તેમના નિવેદન પર માફી માંગવાની પણ ના પાડી દીધી છે.
કોંગ્રેસ નેતાએ નોંધાવી ફરિયાદ
કર્ણાટકમાં કોંગ્રેસના એક નેતાએ કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવની છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, રવનીત બિટ્ટુ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 353 (ખોટી સૂચનાના આધારે નિવેદન આપવું કે અફવા ફેલાવવી), 192 (રમખાણો કરાવવાના હેતુથી ઉશ્કેરણીજનક નિવેદન આપવું), 196 (બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટ ફેલાવવા) અંતર્ગત બેંગલૂરુના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
શું બોલ્યા હતા રવનીત સિંહ બિટ્ટુ?
કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, 'રાહુલ ગાંધી વોન્ટેડની જેમ નિવેદન આપી રહ્યા છે. હવે બોમ્બ અને હથિયાર બનાવનારા અલગતાવાદીઓ રાહુલ ગાંધીના નિવેદનનું સમર્થન કરી રહ્યા છે. આ જ લોકો નાગરિકોને મારવાના પ્રયાસો કરે છે, બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપે છે. તેઓ રાહુલ ગાંધીના સમર્થનમાં આવી ગયા છે. રાહુલ ગાંધી દેશના નંબર-1 આતંકવાદી છે અને તેમને પકડવા માટે સૌથી મોટું ઇનામ હોવું જોઇએ.'
આ ઉપરાંત તેમણે દાવો કર્યો હતો કે, 'મારા મતે રાહુલ ગાંધી સૌથી પહેલા તો ભારતીય જ નથી. તેમણે વધુ સમય ભારત બહાર પસાર કર્યો છે. તેમના મિત્રો અને પરિજનો ત્યાં છે. મારા મતે તેમને દેશથી પ્રેમ જ નથી. લાંબા સમયથી રાજકારણમાં રહ્યાં હોવા છતાં પણ તેમને મજૂરની પીડા ખબર નથી. અડધું જીવન પસાર થઇ ગયું છે, હવે તેઓ વિપક્ષના નેતા બની ચૂક્યા છે અને માત્ર મજૂરો સાથે ફોટો પડાવવામાં મશગૂલ રહે છે, જેથી મજૂરોની મજાક બની જાય છે.’
આ પણ વાંચોઃ કેન્દ્રીય મંત્રીનો ભત્રીજો કોંગ્રેસમાં જોડાયો: હરિયાણામાં ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો
રાહુલ ગાંધીના આ નિવેદનથી થયો વિવાદ
નોંધનીય છે કે, રવનીત બિટ્ટુ રાહુલ ગાંધીએ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન શીખો અંગે આપેલા નિવેદનથી નારાજ થયા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'ભારતમાં રાજકારણ માટે નહીં, પરંતુ એ વાત પર લડાઇ થઇ રહી છે કે શું એક શીખને ભારતમાં પાઘડી કે કડા પહેરવાનો અધિકાર છે કે નહીં. શું એક શીખ ગુરુદ્વારા જઇ શકે છે કે નહીં?'